સાબરકાંઠાના ચિત્રોડી ગામે પાણીના પ્રવાહમાં બે બાઈક સવાર તણાયા, એકનો બચાવ, એકની શોધખોળ ચાલુ

જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે નદીઓ અને કોઝવે પર પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ચિત્રોડી ગામ નજીક એક દુઃખદ ઘટના સામે આવી છે. પાણીના પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ કરતી વખતે બે બાઈક સવાર પાણીમાં તણાઈ ગયા હતા.
ઘટના બનતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોની સતર્કતા અને હિંમતના કારણે એક બાઈક સવારને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. જોકે, અન્ય એક બાઈક સવાર પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર, પોલીસ તેમજ તરવૈયાઓ અને બચાવ ટીમ સ્થળ પર પહોંચી હતી. પાણીનું સ્તર વધુ હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં ભારે ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું.
પ્રશાસને ભારે વરસાદ દરમિયાન નદી, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવાની અપીલ કરી છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી તણાયેલા બાઈક સવારની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.




