ઈડરના દરામલીના વેપારીને વ્યાજખોરોનો ત્રાસ, જાદર પોલીસમાં ગુનો નોંધાયો

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દરામલી ગામના એક વેપારીને બે વ્યાજખોરો દ્વારા ઊંચા વ્યાજે નાણાં આપ્યા બાદ સતત ઉઘરાણી અને માનસિક ત્રાસ આપવામાં આવતા આખરે જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, એક વ્યાજખોરે વેપારીને ₹15 લાખ વ્યાજે આપ્યા હતા. ત્યારબાદ વ્યાજ સહિત કુલ ₹30 લાખ વસૂલ કરી લીધા હોવા છતાં વધુ નાણાંની માંગણી ચાલુ રાખી હતી. જ્યારે બીજા વ્યાજખોરે ₹15.86 લાખ આપ્યા બાદ ₹25.86 લાખ વસૂલ કરી લીધા છતાં વેપારીને સતત ઉઘરાણી કરી હેરાન-પરેશાન કર્યો હતો.
આરોપ છે કે બંને વ્યાજખોરોએ ઊંચા વ્યાજની વસૂલાત કર્યા બાદ પણ વેપારીને સતત ધમકીઓ આપી ત્રાસ ગુજાર્યો હતો. એટલું જ નહીં, વેપારીનું મોપેડ પણ પડાવી લીધું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
સતત ત્રાસથી કંટાળેલા વેપારીએ આખરે જાદર પોલીસ મથકમાં વ્યાજખોરી અને ત્રાસ અંગે ગુનો નોંધાવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી વ્યાજખોરોની ધરપકડ માટે તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.




