ઈડરના ગંભીરપુરામાંથી ચરસ સાથે એક શખ્સ ઝડપાયો
13.950 ગ્રામ ચરસ કબ્જે, એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ; નશાના જાળાની તપાસ તેજ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં નશીલા પદાર્થોના વધતા પ્રવાહ વચ્ચે ઈડર પોલીસે મહત્વની કાર્યવાહી કરતાં ગંભીરપુરા વિસ્તારમાંથી ચરસના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી અંદાજે રૂ. 3,400ની કિંમતનું 13.950 ગ્રામ ચરસ કબ્જે લઈ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈડરના ઘાંટી ગંભીરપુરા વિસ્તારમાં એક યુવક ગેરકાયદેસર રીતે ચરસનો જથ્થો રાખી ફરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે ઈડર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી શંકાસ્પદ યુવક કુણાલ પ્રકાશભાઈ સુથારને રોકી પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી અંદાજે રૂ. 3,400ની કિંમતનો 13.950 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી કુણાલ સુથાર મૂળ ઈડર તાલુકાના ફીંચોડ ગામનો રહેવાસી છે અને હાલમાં ઈડર નજીક આવેલી મધુવન સોસાયટીના મકાન નંબર-24માં રહે છે. આરોપી પાસેથી મળેલા નશીલા પદાર્થનો કબ્જો મેળવી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ મામલે ઈડર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર. ચૌહાણે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ચરસનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની સપ્લાય ચેઈનમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે અને આ નશીલા પદાર્થોના વેપાર પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઈડર શહેર અને તાલુકામાં યુવાનોમાં નશાખોરીનું પ્રમાણ વધતું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે યુવાનોના ટોળાં ભેગાં થઈ નશાકારક પ્રવૃત્તિઓમાં સંડોવાતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ખાસ કરીને ગઢની તળેટી સહિતના કેટલાક વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કડક દેખરેખ રાખવાની માંગ સ્થાનિક નાગરિકો દ્વારા ઉઠી રહી છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે પોલીસ દ્વારા આવા વિસ્તારોમાં સઘન તપાસ અને નિયમિત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવે તો નશાખોરીના વધતા દૂષણને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. ઈડર પોલીસની તાજેતરની કાર્યવાહી નશીલા પદાર્થોના વેપાર સામેના અભિયાનમાં મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.




