હિમતનગર

માત્ર નોકરી નહીં, માતૃત્વની ભાવના સાથે બાળકોના પોષણ અને વિકાસની ચિંતા કરીએ: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ

સાબરકાંઠાની 1,923 આંગણવાડી કેન્દ્રોની સુવિધાઓ અને કુપોષણ નાબૂદી અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના 1,923 આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ગુણવત્તાસભર પોષણ, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ જિલ્લામાં કુપોષણ સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે શુક્રવારે જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મંત્રીએ પ્રાંતિજ તાલુકાના સલાલ-7 આંગણવાડી કેન્દ્ર, હિંમતનગરના કસ્બા છાપરિયા આંગણવાડી કેન્દ્ર તેમજ નારી સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓ, રસોડાની વ્યવસ્થા, પૌષ્ટિક આહાર વિતરણ અને બાળકોને અપાતી સેવાઓની વિગતો જાણી હતી. તેમણે આંગણવાડીના બાળકો સાથે સ્નેહભર્યો સંવાદ કરી તેમની પ્રાર્થના પણ સાંભળી હતી.

ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, “આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માત્ર નોકરી કરે છે તેવી ભાવના રાખવાને બદલે માતૃત્વની લાગણી સાથે બાળકોની સંભાળ રાખે, કારણ કે આ બાળકો દેશ અને રાજ્યનું ભવિષ્ય છે.” તેમણે બાળકોના વજન અને ઊંચાઈ માપવાની પ્રક્રિયા નિહાળી તેમજ પૌષ્ટિક આહારની ગુણવત્તા અંગે પણ ખાતરી કરી હતી.

સમીક્ષા બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત વિકાસનું રોલ મોડેલ છે અને રાજ્ય સરકાર આંગણવાડીઓને વધુ સુવિધાસભર બનાવવા પ્રતિબદ્ધ છે. ખાસ કરીને સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ નાબૂદ કરવા વિશેષ ઝુંબેશ ચલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્થાનિક મહિલા મંડળો, ગામના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ અભિયાન સાથે જોડીને લોકભાગીદારી વધારવા પણ સૂચન કર્યું હતું.

બેઠક દરમિયાન રૂ.16 લાખના ખર્ચે નિર્માણાધીન 50 નવી આંગણવાડી ઇમારતોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત અંદાજે રૂ.18 લાખના ખર્ચે તૈયાર થનારા 120 મોડેલ આંગણવાડી કેન્દ્રોના આયોજનને વહીવટી મંજૂરી અને ઝડપથી અમલમાં મૂકવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર, મહિલા અને બાળ વિકાસ અધિકારી ત્રિવેદી, જિલ્લા અગ્રણી કનુભાઈ પટેલ સહિત આઈસીડીએસ વિભાગના અધિકારીઓ અને સીડીપીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!