સાબરકાંઠાના વધુ 7 આરોગ્ય કેન્દ્રોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ માટે રાષ્ટ્રકક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર
જિલ્લામાં અત્યાર સુધી કુલ 138 આરોગ્ય સંસ્થાઓએ મેળવ્યું National Quality Certification

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને સર્વગ્રાહી, સુરક્ષિત, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને વધુ એક રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા સતત ગુણવત્તા સુધારણા, અસરકારક મોનિટરિંગ, ક્લિનિકલ ગવર્નન્સ અને પરિણામલક્ષી આરોગ્ય વ્યવસ્થાપનના પરિણામે જિલ્લાના વધુ 7 આરોગ્ય કેન્દ્રોએ રાષ્ટ્રકક્ષાનું National Quality Assurance Standards (NQAS) પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. “સ્વસ્થ સાબરકાંઠા – સ્વસ્થ ગુજરાત – સ્વસ્થ ભારત” ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ગુણવત્તા આધારિત આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લાના આત્રોંલીવાસ દોલજી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગાડુ, લાલપુર, નેત્રામલી, જાલેટી, વલસાડી અને બહેડીયા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા NQAS અંતર્ગત નિર્ધારિત ગુણવત્તાના વિવિધ માપદંડોનું સફળતાપૂર્વક પાલન કરી આ રાષ્ટ્રીય પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં આવ્યું છે.
આ સિદ્ધિ માત્ર પ્રમાણપત્ર સુધી સીમિત નથી, પરંતુ ગ્રામ્ય સ્તરે આરોગ્ય સેવાઓની ગુણવત્તા, સલામતી, અસરકારકતા અને દર્દી-કેન્દ્રિતતા પ્રત્યે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્રની અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
NQAS મૂલ્યાંકન દરમિયાન આરોગ્ય સંસ્થાઓમાં ક્લિનિકલ ગવર્નન્સ, પેશન્ટ સેફ્ટી, ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, દવાઓ તથા આવશ્યક આરોગ્ય સામગ્રીની ઉપલબ્ધતા, હાઇજીન અને સેનિટેશન, રેકોર્ડ તથા ડોક્યુમેન્ટેશન, ડેટા આધારિત મોનિટરિંગ અને પેશન્ટ સેન્ટ્રિક સર્વિસ ડિલિવરી સહિતના વિવિધ ગુણવત્તા માપદંડોનું સુવ્યવસ્થિત મૂલ્યાંકન કરવામાં આવે છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. રાજ સુતરિયાએ આ સિદ્ધિ અંગે જણાવ્યું હતું કે,
“માર્ગદર્શક નેતૃત્વ, ટીમવર્ક, સતત મોનિટરિંગ અને ગુણવત્તા સુધારણા માટેના સાતત્યપૂર્ણ પ્રયત્નોના પરિણામે સાબરકાંઠા જિલ્લો ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં ગુણવત્તાના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યો છે. NQAS પ્રમાણપત્ર એ આરોગ્ય સંસ્થાઓમાં ગુણવત્તા અને દર્દી સલામતી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની રાષ્ટ્રીય સ્તરની માન્યતા છે.”
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ 138 આરોગ્ય સંસ્થાઓને National Quality Certification પ્રાપ્ત થયું છે, જેમાં 107 આયુષ્માન આરોગ્ય મંદિર, 29 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), 1 સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને 1 અર્બન હેલ્થ સેન્ટરનો સમાવેશ થાય છે.
આરોગ્ય શાખાના જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડૉ. એ.આઈ. મલેક તથા સંબંધિત તાલુકા આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન અને સતત પ્રયાસો, તેમજ તમામ આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓની ટીમભાવનાથી આ સિદ્ધિ હાંસલ થઈ છે.
ભારત સરકારના Universal Health Coverage તથા ગુણવત્તાસભર અને સર્વસુલભ આરોગ્ય સેવાઓના રાષ્ટ્રીય ધ્યેયને અનુરૂપ સાબરકાંઠા જિલ્લો પણ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના દરેક નાગરિક સુધી સુરક્ષિત, સમાન, સન્માનપૂર્ણ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
આગામી સમયમાં જિલ્લાના વધુને વધુ આરોગ્ય કેન્દ્રોને NQAS તથા અન્ય રાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો હેઠળ આવરી લઈ આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સતત સુધારો લાવવા તથા નાગરિકોને દર્દી-કેન્દ્રિત, સુરક્ષિત અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.




