વાસડોલ બાળકી અડપલાં અને દુષ્કર્મ પ્રયાસ કેસ: ઇડર પોક્સો કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૩૧,૦૦૦નો દંડ ફટકાર્યો
ભોગ બનનાર માસુમ બાળકીને રૂ. ૧,૦૦,૦૦૦નું વળતર ચૂકવવાનો પણ કોર્ટનો મહત્ત્વનો હુકમ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના વાસડોલ ગામે વરઘોડો જોવા ગયેલી ૧૧ વર્ષની સગીરાને પ્રાથમિક શાળાની મુતરડીમાં ખેંચી જઈ શારીરિક અડપલાં કરી બળાત્કાર કરવાનો પ્રયાસ કરનાર નરાધમ આરોપીને ઇડરની સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૩૧,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર બાળકીને રૂ. ૧,૦૦,૦૦૦નું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.
ઘટનાની વિગત: કેસની પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. ૨૦/૦૨/૨૦૨૫ના રોજ સાંજે આશરે છ વાગ્યાના સુમારે વાસડોલ ગામે રહેતી ૧૧ વર્ષ, ૬ માસ અને ૭ દિવસની વયની બાળકી ગામમાં નીકળેલ વરઘોડો જોવા ગઈ હતી. દરમિયાન તે ગોવિંદપુરા પ્રાથમિક શાળામાં પાણી પીવા ગઈ ત્યારે આરોપી અજયભાઈ સ/ઓ જગદીશભાઈ વીરમાભાઈ વાઘરી (ઉં.વ. ૨૩, રહે. વાસડોલ વાઘરીવાસ, તા. ઇડર) બાળકી સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં ખરાબ ઈરાદાથી શાળાના કમ્પાઉન્ડમાંથી તેને બળજબરીથી ખેંચીને મુતરડીમાં લઈ ગયો હતો.
એકાંતનો લાભ ઉઠાવી આરોપીએ બાળકીની મરજી વિરુદ્ધ તેના કપડાં ઉતારી શારીરિક અડપલાં કર્યા હતા અને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ હિંમત દર્શાવી બૂમાબૂમ કરતા સાક્ષી વિશાઅલભાઈ અને રસીકભાઈ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આરોપી અજયને પકડી પાડ્યો હતો. જોકે, આરોપી વિશાઅલભાઈને હાથે બચકું ભરી, માથામાં મુક્કો મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
પોલીસ તપાસ અને ચાર્જશીટ: આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો (ગુ.ર.નં. ૧૮૬/૨૦૨૫) નોંધાતા પો.ઈ. સી.જી. રાઠોડે તપાસ હાથ ધરી હતી અને પૂરતા પુરાવા એકત્ર કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. ત્યારબાદ આ કેસ ઇડરના એડિશનલ સેશન્સ ન્યાયાધીશની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો.
અદાલતી કાર્યવાહી અને સજા: પોક્સો કેસ નંબર ૧૦/૨૦૨૫માં સરકાર તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રણય જયંતીલાલ સોનીએ ધારદાર રજૂઆતો કરી હતી. સરકારી વકીલે મૌખિક તથા લેખિત પુરાવાઓ રજૂ કરી, નામદાર હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને આરોપીને સખતમાં સખત સજા થાય તેવી ભારપૂર્વક દલીલો કરી હતી.
તમામ પુરાવા, સાક્ષીઓની જુબાની અને દલીલોને ધ્યાને રાખીને નામદાર સ્પેશિયલ પોક્સો જજ શ્રી એમ.વાય. રાધાનપુરવાલાએ આરોપી અજયભાઈ જગદીશભાઈ વાઘરીને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની વિવિધ કલમો [૧૩૭(૨), ૬૫(૨), ૬૨, ૧૧૫(૧)] તથા પોક્સો એક્ટ ૨૦૧૨ની કલમ ૮ અને ૧૮ હેઠળ દોષિત ઠેરવી ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૩૧,૦૦૦ના દંડની સજા સંભળાવી છે. આ ઉપરાંત બાળકીને થયેલ માનસિક અને શારીરિક આઘાતને ધ્યાને રાખી રૂ. ૧,૦૦,૦૦૦નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.




