ઈડર કોલેજની હોકી ટીમ યુનિવર્સિટી સ્પર્ધામાંથી ડિસક્વોલિફાય: વિદ્યાર્થીનીના ‘ડબલ એડમિશન’ મુદ્દે વિવાદ

પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં યોજાયેલી આંતર-કોલેજ રમતગમત સ્પર્ધામાં ઈડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની હોકી ટીમે ભાગ લીધો હતો. જોકે, ટીમમાં સામેલ એક વિદ્યાર્થીનીના પ્રવેશ (એડમિશન) અંગે ઊભી થયેલી ટેકનિકલ સમસ્યાને કારણે યુનિવર્સિટી દ્વારા ઈડર કોલેજની હોકી ટીમને સ્પર્ધામાંથી ડિસક્વોલિફાઈ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, ઈડર કોલેજની હોકી ટીમમાં રમી રહેલી ખેલાડી નિકિતાબેન પ્રજાપતિના ‘ડબલ એડમિશન’ અંગેનો મુદ્દો સ્પર્ધા દરમિયાન સામે આવ્યો હતો. નિયમો મુજબ કોઈ પણ વિદ્યાર્થી એકસાથે બે અલગ-અલગ કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકતો નથી. આ ખેલાડીનો અન્ય એક કોલેજમાં પણ પ્રવેશ હોવાનું બહાર આવતાં યુનિવર્સિટીએ નિયમાનુસાર ઈડર કોલેજની ટીમને અયોગ્ય (ડિસક્વોલિફાય) જાહેર કરી હતી.
કોલેજ સત્તાવાળાઓનો પક્ષ અને સ્પષ્ટતા
આ સમગ્ર વિવાદ અંગે ઈડર કોલેજના આચાર્ય પંકજ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીનીએ અમારી કોલેજમાં ‘જીકાસ’ (GCAS) પોર્ટલ મારફતે નિયમ મુજબ પ્રવેશ મેળવીને ફી ભરેલી હતી. ત્યારબાદ આ જ વિદ્યાર્થીનીએ અન્ય એક યુનિવર્સિટીની કોલેજમાં પણ પ્રવેશ મેળવ્યો હતો, જે બાબત પાછળથી ધ્યાને આવી હતી. આ મુદ્દો કોલેજ મંડળના પ્રમુખ અને મંત્રી સમક્ષ મુકવામાં આવ્યો છે અને તેના પ્રવેશ અંગેની કાર્યવાહી હાલ નિર્ણયાધીન છે.”
કોલેજ પ્રશાસને યુનિવર્સિટી સમક્ષ જરૂરી તમામ આધાર-પુરાવા અને વિગતો રજૂ કરી દીધી છે. કોલેજે ભારપૂર્વક જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે પૂરતી તકો મળે તે માટે કોલેજ સતત પ્રયત્નશીલ છે. આ ઘટના માત્ર એક ટેકનિકલ પ્રવેશ નિયમના કારણે ઘટી છે અને તેને કોલેજના રમતગમત ક્ષેત્રના પ્રોત્સાહક પ્રયાસોથી અલગ રાખીને જોવી જોઈએ. હાલ આ બાબતે યુનિવર્સિટી કક્ષાએ આગળની કાર્યવાહી ચાલી રહી છે.




