ઈડરના મુડેટી ગામે વૈદિક ગુરુકુળ સંકુલનું લોકાર્પણ, સંસ્કૃત અને વૈદિક શિક્ષણને નવી દિશા

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી ગામે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગ આશ્રમ દ્વારા વૈદિક ગુરુકુળ સંકુલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. સદાનંદ સરસ્વતી મહારાજની પવિત્ર હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બે વર્ષ અગાઉ થયેલા ખાતમુહૂર્ત બાદ આજે સંકુલને સત્તાવાર રીતે જનતાને અર્પણ કરવામાં આવ્યું.

મુડેટી ગામની વૈદિક પાઠશાળા સમગ્ર ગુજરાતમાં “મીની કાશી” તરીકે ઓળખાય છે, જ્યાં હાલમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિકથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ મેળવી રહ્યા છે. નવા સંકુલમાં વિદ્યાર્થીઓને પરંપરાગત શિક્ષણ સાથે રોજગારલક્ષી મોડ્યુલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.કાર્યક્રમ દરમિયાન સદાનંદ સરસ્વતી મહારાજએ રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા નો સમાવેશ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મહત્વપૂર્ણ રજૂઆત પણ કરી હતી, જેનાથી દેશ અને વિશ્વના કલ્યાણનો માર્ગ પ્રસસ્ત થશે તેવું તેમણે જણાવ્યું.

આ પ્રસંગે વૈદિક પાઠશાળાના ટ્રસ્ટીઓ અને આયોજકો દ્વારા પણ મહારાજની રજૂઆતને મહત્વપૂર્ણ ગણાવી, ગાયને વિશેષ દરજ્જો આપવાથી દેશભરમાં તેની મહત્વતા વધશે તેવો મત વ્યક્ત કર્યો હતો. હાલ ગૌરક્ષા માટે કાયદા અમલમાં હોવા છતાં, ગાયને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા અપાય તો તેની અસર વધુ વ્યાપક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.




