ઈડર બસ સ્ટેશન પર સિક્યુરિટીની સતર્કતા: મુસાફરનું ખિસ્સું કાપતી મહિલા રંગેહાથ ઝડપાઈ

ભાદરવી પૂનમ નિમિત્તે એસ.ટી. નિગમ દ્વારા દોડાવવામાં આવતી બસોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ભીડભાડનો ગેરલાભ ઉઠાવીને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા તત્વો પણ સક્રિય બન્યા છે. શનિવારે ઈડર બસ સ્ટેશન ખાતે આવી જ એક ઘટના સામે આવી હતી, જ્યાં બસમાં ચડી રહેલા એક મુસાફરનું ખિસ્સું કાપવાનો પ્રયાસ કરતી મહિલાને ફરજ પરના સિક્યુરિટી જવાને રંગેહાથ ઝડપી પાડી હતી.
મળતી માહિતી અનુસાર, ઈડર બસ સ્ટેન્ડ ખાતે શનિવારે એક મુસાફર બસમાં ચડી રહ્યા હતા. તે જ સમયે ભીડનો લાભ લઈને એક મહિલાએ મુસાફરના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ અથવા રોકડ રકમ સેરવી લેવા માટે હાથ નાખ્યો હતો.
જોકે, બસ સ્ટેશન પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ જૈમીન પરમારે આ શંકાસ્પદ હિલચાલ નજરે નિહાળી લીધી હતી. તેમણે ત્વરિત સતર્કતા દાખવીને સ્થળ પર જ મહિલાને ઝડપી લીધી હતી અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મહિલા પોલીસના હવાલે કરી દીધી હતી. સિક્યુરિટી જવાનની સમયસૂચકતા અને સતર્કતાને કારણે મુસાફરની રોકડ રકમ અને પાકીટ ચોરાતા બચી ગયા હતા.




