ઈડર APMC ચૂંટણીમાં રાજકીય ભૂકંપ, ભાજપ-કોંગ્રેસને નકારી ખેડૂત એકતા પેનલનો ઐતિહાસિક વિજય

સાબરકાંઠા જિલ્લાના સૌથી મોટા ગણાતા ઈડર માર્કેટિંગ યાર્ડ (APMC) ની ચૂંટણી પરિણામો જાહેર થતાં જ જિલ્લાના સહકારી રાજકારણમાં મોટો ધમાકો સર્જાયો છે. ખેડૂત વિભાગની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસ બંનેની સત્તાવાર પેનલોને સ્પષ્ટ નકારીને ‘ખેડૂત એકતા પેનલે’ જંગી બહુમતીથી એકતરફી વિજય મેળવ્યો છે.
મેન્ડેડ પ્રથા સામે ખેડૂતોનો આક્રોશ
ઈડર APMCના ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે કુલ ૩૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. ગતરોજ યોજાયેલા મતદાનમાં ૯૫૦થી વધુ ખેડૂત મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપથી નારાજ થયેલા સ્થાનિક આગેવાનો અને સદસ્યોએ એકત્ર થઈને નિર્દલિય ‘ખેડૂત એકતા પેનલ’ બનાવી હતી.
સહકારી ક્ષેત્રમાં પક્ષીય મેન્ડેડ પ્રથા અને રાજકીય હસ્તક્ષેપ સામે ખેડૂતોમાં લાંબા સમયથી અસંતોષ હતો. મતદારોએ રાજકીય પક્ષોના સમર્થન છતાં ભાજપ અને કોંગ્રેસ બંને પેનલોનો સફાયો કરી દીધો છે.
પરિણામની મુખ્ય વિગતો
-
બેઠકો: ખેડૂત વિભાગની ૧૦ બેઠકો
-
કુલ ઉમેદવારો: ૩૬
-
મતદાન: ૯૫૦થી વધુ મતદારો
-
પરિણામ: ખેડૂત એકતા પેનલનો તમામ બેઠકો પર દબદબો
“વાયરસ તરીકે નહિ, ખેડૂતોના હિતમાં કામ કરીશું” – સતીશ પટેલ
ભવ્ય વિજય બાદ ખેડૂત એકતા પેનલના વિજેતા ઉમેદવાર સતીશ પટેલે જણાવ્યું હતું કે, “ઈડર પંથકના ખેડૂતોએ મેન્ડેડ પ્રથા સામે ઐતિહાસિક જનાદેશ આપ્યો છે. આવનાર સમયમાં ઈડર વિસ્તારના ખેડૂતોના પડતર પ્રશ્નો અને ખેતીવિષયક જરૂરિયાતો માટે મજબૂત ભૂમિકા ભજવીને રાજ્ય કક્ષાએ પ્રશંસનીય કામગીરી કરીશું.”
આ પરિણામ માત્ર એક માર્કેટ યાર્ડ પૂરતું સીમિત ન રહેતા સમગ્ર સાબરકાંઠા જિલ્લાના સહકારી અને સ્થાનિક રાજકારણ માટે પણ એક સ્પષ્ટ અને મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે.




