રૂ. ૨૦ હજારના બદલે ૨.૯૬ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી: ઈડરમાં વ્યાજખોર સામે ફરિયાદ

સાબરકાંઠા જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી તગડું વ્યાજ વસૂલતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. મુળ રકમ પરત મળી ગઈ હોવા છતાં માનસિક અને શારીરિક ત્રાસ આપી ધમકીઓ આપતા વ્યાજખોરો સામે પોલીસે ઝુંબેશ આદરી છે, ત્યારે ઈડર પોલીસ સ્ટેશનમાં વધુ એક વ્યાજખોર સામે ગુરૂવાર, ૧ ઓક્ટોબરના રોજ ગુનો નોંધાયો છે.
શું છે સમગ્ર મામલો?
ઈડર તાલુકાના સવગઢ (છાવણી) ગામના રહેવાસી યોગેશ ભીખાભાઈ ઠાકોરે વર્ષ ૨૦૨૩માં પોતાના કામ અર્થે ઈડરના આંબા નવાભાઈ રબારી પાસેથી બે માસના વાયદા પર રૂ. ૨૦,૦૦૦ વ્યાજે લીધા હતા.
એપ્રિલ ૨૦૨૩ સુધીમાં યોગેશ ઠાકોરે લીધેલી રકમ પેટે બે માસ દરમિયાન અંદાજે રૂ. ૪૮,૦૦૦ વ્યાજખોરને ચૂકવી દીધા હતા. તેમ છતાં, આંબા રબારીએ વ્યાજની બાકી રકમ રૂ. ૧૦,૦૦૦ બતાવીને દર મહિને ૧૦ ટકા લેખે રૂ. ૮,૦૦૦નું અતિશય વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું હતું.
રૂ. ૨.૯૬ લાખ વસૂલ્યા છતાં ધમકીઓ ચાલુ રહી
આ રીતે વ્યાજખોરે યોગેશ ઠાકોર પાસેથી ટુકડે-ટુકડે અંદાજે રૂ. ૨.૯૬ લાખ જેટલી રકમ પઠાણી ઉઘરાણી કરીને વસૂલી લીધી હતી. આટલી મોટી રકમ ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરની ભૂખ સંતોષાઈ નહોતી. આંબા રબારી અવારનવાર યોગેશ ઠાકોર પાસે આવીને ગાળો બોલી, અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.
વ્યાજખોરના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે યોગેશ ઠાકોરે હિંમત દાખવી ઈડર પોલીસ સ્ટેશનમાં આંબા નવાભાઈ રબારી વિરુદ્ધ લેખિત અહેવાલ સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




