પ્રેમ સંબંધમાં દબાણ કરવા બે બાળકોનું અપહરણ, જાદર પોલીસે કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો


ઈડર તાલુકાના આરસોડીયા ગામમાંથી બે બાળકોના અપહરણની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. જોકે જાદર પોલીસની સતર્ક કામગીરી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ બંને બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આરસોડીયા ગામમાં બે બાળકો અપહરણ થયાની ફરિયાદ જાદર પોલીસ મથકે નોંધાઈ હતી. દેવરાજસિંહ રાઠોડ નામનો યુવક ડીજે ઓપરેટર તરીકે કામ કરે છે. ઘટનાના દિવસે ગામમાં વરઘોડા દરમિયાન બંને બાળકો રમતા હતા. તે દરમિયાન એક બાળકના મોટાપિતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી બાળકોનું અપહરણ કરીને લઈ ગયા છે અને દેવરાજસિંહ તેમનો પીછો કરી રહ્યો છે.જોકે પોલીસ તપાસ દરમિયાન સમગ્ર મામલો શંકાસ્પદ જણાતા તપાસ વધુ ગહન બનાવવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે બંને બાળકો પૈકી એક બાળક દેવરાજસિંહનો ભત્રીજો હતો જ્યારે બીજો બાળક તેની પ્રેમિકાનો ભાઈ હતો. પોતાના પર કોઈ શંકા ન જાય તે માટે દેવરાજસિંહે પોતાના ભત્રીજાને પણ સાથે રાખ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરસોડીયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસ ટીમોએ સીસીટીવી કેમેરાની તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બંને બાળકો દેવરાજસિંહ રાઠોડ સાથે આમરેલી પાળી ફેક્ટરી પાસે મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા બાળકો અને દેવરાજસિંહ રાઠોડને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે દેવરાજસિંહ રાઠોડનો એક બાળકની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી મળવા માટે તૈયાર ન હોવાથી દેવરાજસિંહે બાળકોનું અપહરણ કરીને યુવતી પર દબાણ અને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે બાળકોના પરિવારે જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




