ઇડર કુંડ ખાતે સુરક્ષા અને સૌંદર્યકરણ માટે કોર્પોરેટરોની મુલાકાત

ઇડર શહેરમાં આવેલ ઐતિહાસિક કુંડ ખાતે અવારનવાર આત્મહત્યાના બનાવો બનતા હોવાના મુદ્દાને ગંભીરતાથી લઈ ઇડર નગરપાલિકાના વોર્ડ નં. 1, 2 અને 3ના કોર્પોરેટરોએ આજે સ્થળ મુલાકાત લીધી હતી.
મળતી માહિતી મુજબ, હાલમાં કુંડના દરવાજા ખુલ્લા હોવાથી કોઈપણ વ્યક્તિ સરળતાથી અંદર પ્રવેશ કરી શકે છે, જેના કારણે દુર્ઘટના અને આત્મહત્યાના બનાવોની શક્યતા વધે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કુંડને કાયમી રીતે સુરક્ષિત બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની ચર્ચા કરવામાં આવી હતી.
કોર્પોરેટરોએ કુંડની આસપાસ તાર ફેન્સિંગ, બગીચાનું નિર્માણ, નાગરિકો માટે બેસવાના બાંકડા તેમજ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવાની યોજના અંગે વિચારણા કરી હતી. સાથે જ કુંડનું સૌંદર્યકરણ (Beautification) કરીને તેને નાગરિકો માટે સુરક્ષિત અને આકર્ષક સ્થળ તરીકે વિકસાવવાની તજવીજ શરૂ કરવામાં આવશે.
સ્થાનિક નાગરિકોમાં પણ આ પહેલને આવકાર મળ્યો છે. કુંડને સુરક્ષિત બનાવી ત્યાં લોકો માટે આરામ અને મુલાકાતનું સ્થળ ઊભું કરવામાં આવે તો ભવિષ્યમાં દુર્ઘટના તથા આત્મહત્યાના બનાવો અટકાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઇડર નગરપાલિકાના કોર્પોરેટરો હવે આ મુદ્દે એક્શન મોડમાં આવી જરૂરી કાર્યવાહી હાથ ધરશે તેવી માહિતી મળી છે.




