ઇડર

ઈડરમાં મનરેગા વિભાગનો મસ્ટર કારકુન ₹૧૫,૦૦૦ની લાંચ લેતા ઝડપાયો

આવાસ સહાયના પ્રથમ હપ્તામાંથી લાંચ માંગનાર ઓડા ગ્રામ પંચાયતનો મસ્ટર કારકુન એસીબીના છટકામાં ઝડપાયો

રૂ.15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, એસીબીએ ગુનો નોંધી શરૂ કરી વધુ તપાસ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઓડા ગામમાં પંડિત દિનદયાળ આવાસ યોજના અંતર્ગત લાભાર્થી મહિલા પાસેથી આવાસ સહાયના પ્રથમ હપ્તામાંથી રૂ.15 હજારની લાંચ માંગનાર ગ્રામ પંચાયતના મનરેગા વિભાગના મસ્ટર કારકુનને એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ગોઠવેલા છટકામાં રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

લાભાર્થીને સહાય મંજૂર થયા બાદ માંગણી

મળતી માહિતી મુજબ ઓડા ગામના એક લાભાર્થી પરિવારને પંડિત દિનદયાળ આવાસ યોજના હેઠળ મકાન નિર્માણ માટે સહાય મંજૂર કરવામાં આવી હતી. સહાયનો પ્રથમ હપ્તો રૂ.30 હજાર મહિલાના ખાતામાં જમા થયા બાદ ગ્રામ પંચાયતના મનરેગા વિભાગમાં ફરજ બજાવતા મસ્ટર કારકુન રમેશચંદ્ર મણિલાલ પંડયાએ સહાયની પ્રક્રિયા આગળ વધારવાના બહાને રૂ.15 હજારની લાંચની માંગણી કરી હતી.

મહિલાએ કરી એસીબીને ફરિયાદ

લાભાર્થી મહિલા લાંચ આપવા ઇચ્છતી ન હોવાથી તેમણે સાબરકાંઠા એસીબી કચેરીનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ફરિયાદના આધારે એસીબીના અધિકારીઓએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું હતું.

પાર્લર પાસે ગોઠવાયું છટકું, રંગેહાથ ઝડપાયો આરોપી

યોજના મુજબ આરોપીને દેશોતર ચાર રસ્તા નજીક આવેલા એક પાર્લર પાસે બોલાવવામાં આવ્યો હતો. ત્યાં ફરિયાદી પાસેથી રૂ.15 હજારની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે આરોપી રમેશચંદ્ર મણિલાલ પંડયાને રંગેહાથ ઝડપી લીધો હતો.

વધુ તપાસ હાથ ધરાઈ

એસીબી દ્વારા આરોપીની અટકાયત કરી નિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી એસીબીના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સરકારી યોજનાઓના લાભાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે લાંચ માંગતા તત્વો સામે એસીબીની કડક કાર્યવાહીથી સરકારી યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તેવો સંદેશો ગયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!