પ્રાંતિજમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, રૂ.૭૦,૩૦૦નો મુદ્દામાલ કબજે

સાબરકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાના પોલીસ વડાઓના આદેશ બાદ પ્રાંતિજ પોલીસે બાલીસણા ગામ નજીકથી જુગાર રમતી એક ટોળકીને ઝડપી પાડી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.પઢેરીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર.નિમ્બાર્ક તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીદારો મારફતે માહિતી મળી કે બાલીસણા ગામે રોડ પર લાલસિંહ કેસરીસિંહ મકવાણાના ઘર નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તાની રમત વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
દરોડામાં દાદુસિંહ કાનસિંહ ચૌહાણ (ઉ.વ.૩૫), કરણસિંહ બસંતસિંહ ચૌહાણ (ઉ.વ.૩૦), દિલીપસિંહ હિરસિંહ મકવાણા (ઉ.વ.૪૦), મનહરસિંહ મોહનસિંહ રાઠોડ (ઉ.વ.૩૯) અને રંગુભાઈ અજમેલભાઈ ઓડ (ઉ.વ.૩૫) — આ પાંચેય બાલીસણા (તા.પ્રાંતિજ)ના રહેવાસી તથા અજીતસિંહ ભિખુસિંહ સોલંકી (ઉ.વ.૩૨, રહે. દોલતાબાદ, તા.તલોદ) — એમ કુલ છ શખ્સો ઝડપાયા હતા.
આરોપીઓ પાસેથી રોકડ રૂ.૩૦,૩૦૦, ગંજીપત્તાના પાના ૫૨ નંગ, ત્રણ મોબાઇલ ફોન અને એક મોટરસાયકલ મળી કુલ રૂ.૭૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.પઢેરીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર.નિમ્બાર્ક ઉપરાંત હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ પૂંજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દીપસિંહ, ભીખુસિંહ હાલુસિંહ, હર્ષપાલસિંહ દિલીપસિંહ, અરવિંદસિંહ કેસરીસિંહ અને પંકજકુમાર કાંતીભાઇનો સહયોગ રહ્યો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) તથા વિભાગીય પોલીસ અધિકારી સ્મિત ગોહિલની સૂચના અન્વયે આ કામગીરી પાર પડી હોવાનું જણાવાયું છે.




