હિંમતનગરમાં સિવિલ સર્કલથી દુર્ગા બજાર ઓવરબ્રિજનું કામ પૂરઝડપે: ૧૨૧ મેટ્રિક ટનના ૪ વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક ગોઠવાયા

સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગર ખાતે નાગરિકોની સુવિધા અને શહેરની વાહનવ્યવહારની સુવિધા સુધારવાના ભાગરૂપે ચાલી રહેલા વિકાસકાર્યો અંતર્ગત સિવિલ સર્કલથી દુર્ગા બજાર વચ્ચે નવનિર્મિત ઓવરબ્રિજનું કામ અત્યારે પૂરઝડપે ચાલી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત આજે રેલવે વિભાગ દ્વારા બપોરે ૧૨ થી ૩ વાગ્યા દરમિયાન ‘રેલવે બ્લોક’ લઈને રેલવે પોર્શનમાં સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની અત્યંત મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
બપોરના સમયે રેલવે ટ્રેક (LC 82) ઉપર કુલ ૪ વિશાળ સ્ટીલ ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. લોન્ચ કરાયેલા આ ચારેય સ્ટીલ ગર્ડરનું કુલ વજન ૧૨૧ મેટ્રિક ટન છે, જ્યારે દરેક ગર્ડરની લંબાઈ ૩૭.૨૦૦ મીટર છે. આ નવનિર્મિત ઓવરબ્રિજની કુલ લંબાઈ ૬૨૩.૨૦ મીટર અને પહોળાઈ ૭.૫૦ મીટર રાખવામાં આવી છે.

આ અત્યાધુનિક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થવાથી સાબરકાંઠા જિલ્લાના નાગરિકો અને વાહનચાલકોની અવરજવર સરળ બનશે. આ ઉપરાંત હિંમતનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી સતાવતી ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. આ બ્રિજના નિર્માણથી સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.



