હિમતનગર

હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિવાદ: સભ્યએ મુદ્દા નં. 18 અંગે વાંધો ઉઠાવ્યો

હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા યોજાય તે પહેલા જ એજન્ડાના મુદ્દા નં. 18ને લઈને વિવાદ ઊભો થયો છે. નગરપાલિકાના એક સભ્ય દ્વારા પ્રમુખ અને અધ્યક્ષને લેખિત રજૂઆત કરી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 44ના ઉલ્લંઘનનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

રજૂઆતમાં જણાવાયું છે કે નગરપાલિકામાં 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓની ભરતી, સેવા શરતો, બદલી, ફરજ સોંપણી તથા અન્ય વહીવટી સત્તાઓ મુખ્ય અધિકારી (Chief Officer) પાસે રહેલી છે. આવા વિષયો સામાન્ય સભાના કાર્યક્ષેત્રમાં આવતા નથી, તેમ છતાં મુદ્દા નં. 18માં આ બાબત સમાવાઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

સભ્યએ વધુમાં દલીલ કરી છે કે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 44 મુજબ આવા વહીવટી નિર્ણયો મુખ્ય અધિકારીના અધિકારક્ષેત્રમાં આવે છે. સામાન્ય સભામાં આ મુદ્દે કોઈ ઠરાવ પસાર કરવામાં આવશે તો તે કાયદેસર રીતે પડકારવામાં આવી શકે છે.

રજૂઆતમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આ મુદ્દે કોઈ ગેરકાયદેસર ઠરાવ પસાર થશે તો તેની સંપૂર્ણ વહીવટી, નૈતિક અને વ્યક્તિગત જવાબદારી સંબંધિત સભ્યો અને સત્તાધીશો પર રહેશે.

અંતે સભ્યએ માંગ કરી છે કે મુદ્દા નં. 18ને કાર્યસૂચિમાંથી દૂર કરવામાં આવે અને આ રજૂઆતને સામાન્ય સભાની કાર્યવાહી (Minutes of Meeting)માં નોંધવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ અથવા જવાબદારીની સ્થિતિ ઊભી ન થાય.

હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા પહેલાં આ રજૂઆતને પગલે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. હવે સામાન્ય સભામાં આ મુદ્દે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!