હિમતનગર

સાબરકાંઠા LCB ને મોટી સફળતા: ૪.૫ વર્ષથી ફરાર ‘બીજુડા ગેંગ’નો રીઢો ચોર પકડાયો; માણસાની ૮ વર્ષ જૂની ઘરફોડ ચોરીનો ઉકેલ

સાબરકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે મિલકત સંબંધી ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરેલી ખાસ ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા સાડા ચાર વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનની કુખ્યાત ‘બીજુડા ગેંગ’ના એક સાગરીતને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીની કડક પૂછપરછ દરમિયાન ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ૮ વર્ષ અગાઉ થયેલી વણશોધાયેલી ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે.

બસ સ્ટેન્ડ નજીકથી મળી બાતમી

મળતી માહિતી મુજબ, ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલની સૂચના અને LCB પી.આઈ. ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ P.S.I. એસ.જે. ચાવડા અને તેમની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચતુરસિંહ અને નરેન્દ્ર સૂર્યકાન્તભાઈને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, ગાંભોઇ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૨ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી હિંમતનગર બસ સ્ટેન્ડ આગળ ઉભો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી જીતેન્દ્ર ઉર્ફે લાલો ઉર્ફે કાળીયો મોગજી ડામોર (રહે. દેમત, તા. વીંછીવાડા, જી. ડુંગરપુર, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો.

ગાંભોઇ અને માણસાની ચોરીની કબૂલાત

ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે સાડા ચાર વર્ષ પહેલાં તેણે પોતાના સાગરીતો—ગણેશ ઉર્ફે ગણા બચુ કાવા, હરીશ રામલાલ મનાત અને ભગવાન બેચર ડુહા સાથે મળીને ગાંભોઇ પેટ્રોલ પંપ પર ચોરી કરી હતી.

આ ઉપરાંત, આશરે ૮ વર્ષ પહેલાં તે પોતાના સાગરીતો હરીશ મનાત, ભગવાન ડુહા અને નરેશ ઉર્ફે ટેટો મણિલાલ ડુહા સાથે રાત્રિના સમયે ગાંધીનગરના માણસા ખાતે ગાયત્રી મંદિર નજીક એક મકાનનું તાળું તોડી લાકડાના કબાટમાંથી રોકડ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આ અંગે માણસા પોલીસ સ્ટેશનમાં ૨૦૧૮માં ગુનો નોંધાયો હતો જે આજદિન સુધી વણશોધાયેલ હતો.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અટકાયત કરાયેલ આરોપી જીતેન્દ્ર ડામોર રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ તલોદ, ગાંભોઈ, ધનસુરા, પાલનપુર પૂર્વ, દાંતા, મહેસાણા તાલુકા, કડી, શામળાજી (પ્રોહિબિશન અને લૂંટ સહિતના ગુના) તેમજ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન મળીને કુલ ૧૧થી વધુ ચોરી અને લૂંટના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

૩ સાગરીતો વોન્ટેડ

પોલીસે આ મામલે રાજસ્થાનના અન્ય ત્રણ આરોપીઓ (૧) હરીશ રામલાલ મનાત, (૨) ભગવાન બેચર ડુહા અને (૩) નરેશ ઉર્ફે ટેટો ડુહાને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને આગળની તપાસ અર્થે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર સફળ કામગીરી LCB PI ડી.સી. સાકરીયા, PSI એસ.જે. ચાવડા, ASI વિરભદ્રસિંહ, કમલેશસિંહ, હેમાંશુરાજ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર, દેવરાજ તથા કોન્સ્ટેબલ પ્રવિણસિંહ, નરેન્દ્ર, નિલેશકુમાર, નરેન્દ્રસિંહ અને ડ્રાઇવર કાળાજી દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!