પ્રાંતિજની ખારી નદીની કોતરોમાંથી દેશી બંદૂક સાથે યુવક ઝડપાયો, એક સાગરીત ફરાર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં દલાનીમુવાડી નજીક આવેલી ખારી નદીની કોતરો વિસ્તારમાં હથિયાર સાથે બે યુવકો ફરી રહ્યા હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરતાં બંને યુવકો ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે પીછો કરીને એક યુવકને ઝડપી પાડ્યો હતો જ્યારે તેનો અન્ય સાગરીત ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
પકડાયેલ યુવકની ઓળખ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડગામ ગામના રહેવાસી અકબર સિંધી તરીકે થઈ છે. તેની પાસેથી એક દેશી બંદૂક મળી આવતાં પોલીસે કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફરાર થયેલા અન્ય યુવકની ઓળખ માણસા વિસ્તારના રહેવાસી તરીકે સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. એસઓજી દ્વારા તેની શોધખોળ માટે વિવિધ સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર મામલે પ્રાંતિજ પોલીસ અને એસઓજી દ્વારા હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું, તેનો ઉપયોગ કયા હેતુસર થવાનો હતો તેમજ બંને યુવકોની સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




