પ્રાંતિજ
વરસાદ માટે મહિલાઓની પ્રાર્થના પ્રાંતિજમાં ઢુંઢીયા બાવજીનો વરઘોડો, મહાદેવને જળાભિષેક

ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો, પશુપાલકો અને નગરજનોમાં ચિંતા વધી રહી છે. ત્યારે પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં મહિલાઓએ મેઘરાજાને રીઝવવા લોકપરંપરા મુજબ ઢુંઢીયા બાવજીની માટીની મૂર્તિ બનાવી વાજતે-ગાજતે વરઘોડો કાઢ્યો હતો.
ઢોલ-નગારાના તાલે નીકળેલો વરઘોડો નેશનલ હાઈવે-48 પર આવેલા શ્રી માર્કડેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચ્યો હતો. મંદિરે મહિલાઓએ ભગવાન મહાદેવનો જળાભિષેક કરી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ઢુંઢીયા બાવજીની માટીની મૂર્તિને વિધિવત્ પાણીથી નવડાવી મંદિર પાછળ આવેલા બોખમાં પધરાવવામાં આવી હતી.
વરસાદના અભાવે વિસ્તારમાં વાવણીના કામો અટવાઈ ગયા છે અને ખેડૂતો મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આવા સમયે મહિલાઓ દ્વારા આયોજિત આ ધાર્મિક અને લોકપરંપરાગત કાર્યક્રમ સ્થાનિક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.





