ત્રણ મહિના પહેલાં બનેલા પ્રાંતિજ ત્રણ રસ્તા ઓવરબ્રિજ પર ઠેરઠેર ગાબડા, એક આખો સ્લેબ પણ બેસી ગયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે અંદાજે ત્રણ મહિના પહેલાં જ નિર્માણ પામેલા ઓવરબ્રિજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઓવરબ્રિજ પર અનેક સ્થળોએ ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બ્રિજનો એક આખો સ્લેબ પણ બેસી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
આ સ્થિતિને કારણે ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. નવા બનેલા બ્રિજમાં આટલા ઓછા સમયમાં જ આવી ખામીઓ સામે આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નેશનલ હાઇવે ઓથોરિટી, સંબંધિત અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સંભવિત ભ્રષ્ટાચારના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્થાનિકોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
લોકોએ તાત્કાલિક ધોરણે બ્રિજનું ટેકનિકલ નિરીક્ષણ કરીને જરૂરી સમારકામ હાથ ધરવાની માંગ પણ કરી છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ યોગ્ય પગલાં લેવામાં આવે.
બાઈટ: નિખિલ પટેલ (સ્થાનિક)




