પ્રાંતિજના અમીનપુર રેલ્વે અંડરપાસમાં બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા, વાહનવ્યવહાર ઠપ્પ

પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે આવેલા રેલ્વે અંડરપાસમાં સતત વરસાદના કારણે ઢીંચણસમા પાણી ભરાઈ જતાં બીજા દિવસે પણ વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. રેલ્વે તંત્ર દ્વારા સમયસર પાણીના નિકાલની કાર્યવાહી ન થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અમીનપુર–ઘડી મુખ્ય માર્ગ બંધ થઈ જતાં રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અમીનપુર, મેમદપુર, પલ્લાચર, ઝીંઝવા, ઘડી મઠ અને ઘડી વિસ્તારના લોકો માટે આ માર્ગ જીવનરેખા સમાન હોવાથી શાળા-કોલેજ, નોકરી-ધંધા અને ખેતીના કામે જવા માટે લાંબા ફેરા મારવાની ફરજ પડી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદી મોસમમાં આ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. બીજા દિવસે પણ અંડરપાસ શરૂ ન થતાં લોકોમાં અસંતોષની લાગણી વધુ પ્રબળ બની છે.
ગ્રામજનોએ રેલ્વે તંત્ર અને સંબંધિત વિભાગને તાત્કાલિક પાણીનો નિકાલ કરી અંડરપાસ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની તેમજ ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય તે માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.




