સાદોલીયા પુલ પાસે ગડર સાથે ડમ્પર અથડાતા ચાલક-ક્લીનરનું મોત, ત્રણ ડમ્પર વચ્ચે વિચિત્ર અકસ્માત

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં સાદોલીયા પુલના છેડે રાત્રી દરમિયાન સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ રાત્રી દરમિયાન રેતી હેરફેર કરતા ત્રણ ડમ્પર ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા એક ડમ્પર ચાલક અને તેના ક્લીનરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ અકસ્માત બાબરીયા વીરના મંદીર નજીક સર્જાયો હતો. ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે લગાવવામાં આવેલ લોખંડના હેવી ગડર સાથે એક ડમ્પર ટ્રક જોરદાર અથડાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે ડમ્પરના કેબીનમાં ચાલક અને ક્લીનર ફસાઈ ગયા હતા અને બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

અકસ્મતમાં આગળના ડમ્પર સાથે અથડાયા બાદ તેની પાછળ આવી રહેલા બીજા બે ડમ્પર ટ્રકો પણ એકબીજા સાથે અથડાતા સમગ્ર ઘટના સ્થળે વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. નોંધનીય છે કે ભારે વાહનોની ગેરકાયદે અવરજવર કરવા માટે કેટલાક અજાણ્યા શખ્સોએ લોખંડની હેવી ગડર ફ્રેમ તોડી નાંખી હતી, જેના કારણે અર્ધ તૂટેલી ગડર ભારે વાહન માટે મોતનું કારણ બની હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને ગડર તોડી જીવલેણ સ્થિતિ ઉભી કરનારા અજાણ્યા શખ્સો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

ઘટનાની જાણ થતા પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડમ્પરના કેબીનમાં ફસાયેલા બંને મૃતદેહોને ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




