દેશોતર ગામે ખેતરમાંથી ૯ ફૂટ લાંબો અજગર રેસ્ક્યૂ કરાયો: ઈડર વન વિભાગની ત્વરિત કામગીરીથી ગ્રામજનોમાં રાહત

ઈડર તાલુકાના દેશોતર ગામ ખાતે એક ખેડૂતના ખેતરમાં અચાનક નવ ફૂટ જેટલો લાંબો અજગર આવી ચઢતાં વિસ્તારમાં ભારે કૌતુક અને ફફડાટ વ્યાપી ગયો હતો. ખેતરમાં વિશાળકાય અજગર હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટના અંગે તાત્કાલિક ઈડર વન વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ વનપાલ જે. બી. અડિયોલ તથા તેમની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગની ટીમે ભારે જહમત ઉઠાવીને કુશળતાપૂર્વક ૯ ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે ઝડપી લીધો હતો.
અજગરનું સફળ રેસ્ક્યૂ કર્યા બાદ તેને કુદરતી આવાસ એટલે કે સલામત ખુલ્લી જગ્યામાં મુક્ત કરવામાં આવ્યો હતો. વન વિભાગની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીને કારણે કોઈ પણ અપ્રિય ઘટના બનતી અટકી હતી, જેને પગલે દેશોતર ગામના રહીશો અને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.




