ઇડર

દિયોલી શાળાના શિક્ષક સંદીપ પટેલ ‘કસક’ને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત: મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે બહુમાન

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની શ્રીમતી એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર (દિયોલી) ના મદદનીશ શિક્ષક, જાણીતા કવિ અને લેખક શ્રી સંદીપકુમાર રામભાઈ પટેલ (સંદીપ પટેલ ‘કસક’)ને રાજ્યના ‘શ્રેષ્ઠ શિક્ષક’ તરીકે એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.

ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ ઊર્જા યુનિવર્સિટી (PDEU) ના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા ભવ્ય રાજ્યકક્ષાના સમારંભમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે તેમને પ્રશસ્તિપત્ર અને સન્માન ચિહ્ન આપી બહુમાન કરાયું હતું. આ પ્રસંગે કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવીનતમ શિક્ષણ પદ્ધતિ અને શાનદાર પરિણામ

છેલ્લા ૧૭ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા સંદીપ પટેલે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને સરળ બનાવવા ‘AI ઇન્ફોગ્રાફિક્સ’ અને માઇન્ડ મેપ્સ આધારિત શિક્ષણ પદ્ધતિ વિકસાવી છે. તેમના ગોખણપટ્ટી મુક્ત વિઝ્યુઅલ લર્નિંગના પ્રયાસોથી ચાલુ વર્ષે ધોરણ ૧૦નું શાળાનું બોર્ડ પરિણામ ૮૯.૬૬% રહ્યું છે, જેમાં ગણિતનું ૯૩.૧૦% અને વિજ્ઞાનનું ૮૯.૬૬% પરિણામ મળ્યું છે.

સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે અનોખું પ્રદાન

શિક્ષણ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે પણ તેઓ જાણીતું નામ છે. વર્તમાનપત્રોમાં ૪ લોકપ્રિય કટારો દ્વારા તેમના ૩૦૦૦થી વધુ લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ સિવાય, કન્યા કેળવણી અંતર્ગત શાળામાં નિઃશુલ્ક સેનિટરી પેડ સુવિધા, થેલેસેમિયા દર્દીઓ માટે રક્તદાન કેમ્પ, ઈડરગઢ સફાઈ ઝુંબેશ અને ગરીબ બાળકોને શૈક્ષણિક સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ સતત સક્રિય રહ્યા છે.

રાજ્યકક્ષાનું આ સર્વોચ્ચ બહુમાન મળતા શાળા પરિવાર, નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટ, ગ્રામજનો અને સાહિત્ય પ્રેમીઓમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!