હિમતનગર

૧૧ ચોરીના ગુનામાં ૨ વર્ષથી નાસતો ફરતો રીઢો ગુનેગાર હિંમતનગરથી ઝડપાયો

સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાનમાં વાહન તથા પશુ ચોરી મચાવનાર આરોપી જાલમા ગમારને SOG ટીમે દબોચ્યો

આગામી જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને રાખી સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા અનિચ્છનીય બનાવો અટકે તે હેતુથી પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના આદેશાનુસાર એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી અને નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. (Special Operation Group) ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાની આગેવાનીમાં P.S.I. કે.યુ. ચૌધરી તથા P.S.I. પી.એમ. ઝાલાની ટીમે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

પેટ્રોલિંગ દરમિયાન SOG ના આર્મ્સ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જશવંતસિંહ (બ.નં. ૧૪૭) તથા આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ દીપકસિંહ ભિખુસિંહ (બ.નં. ૧૦૫૭) નાઓને તેમના ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળેલ કે, ઇડર પો.સ્ટે. ના ગુનાનો નાસતો ફરતો આરોપી હિંમતનગર ન્યાય મંદિર પીક-અપ સ્ટેન્ડ આગળ રોડ પર ઉભો છે.

બાતમીના આધારે SOG ટીમે તાત્કાલિક દરોડો પાડીને સ્થળ પરથી આરોપી જાલમા નરસા ગમાર (ઉં.વ. ૨૨, રહે. જાંજર વરલા, તા. કોટડા છાવણી, જી. ઉદેપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી.

૧૧ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો:

આરોપીની કડક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા ૨ વર્ષથી નાસતો ફરતો હતો અને સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ રાજસ્થાન રાજ્યમાં ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો:

  • સાબરકાંઠા: ઇડર પો.સ્ટે. ના પશુ ચોરીનો ૧ તથા વાહન ચોરીનો ૧, વડાલી પો.સ્ટે. ના વાહન ચોરીના ૪ ગુના.

  • બનાસકાંઠા: દાંતા, હડાદ અને પાલનપુર તાલુકા પો.સ્ટે. ના વાહન ચોરીના ૩ ગુના.

  • રાજસ્થાન: સુમેરપુર અને શ્રીનાથજી મંદિર પો.સ્ટે. ના વાહન ચોરીના ૨ ગુના.

સાબરકાંઠા SOG દ્વારા આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી અર્થે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!