હિંમતનગર નાગરિક સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

શીતલ ઠાકર,ગાંધીનગર
હિંમતનગર નાગરિક સહકારી બેન્કમાં તાજેતરમાં યોજાયેલી ડિરેક્ટરોની ચૂંટણી બાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જેમાં ચેરમેન દિલીપભાઈ શાહ અને વાઇસ ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે.હિંમતનગર નાગરિક સહકારી બેન્કમાં તાજેતરમાં ૧૩ ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિકાસ પેનલ, પરિવર્તન પેનલ તેમજ સ્વતંત્ર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણીના પરિણામોમાં વિકાસ પેનલને સ્પષ્ટ બહુમતિ મળી હતી અને વિકાસ પેનલના ૧૩ પૈકી ૧૨ ડિરેક્ટરો વિજેતા બન્યા હતા, જ્યારે એક સ્વતંત્ર ઉમેદવાર પણ ચૂંટાઈ આવ્યા હતા. ડિરેક્ટરોની ચૂંટણી બાદ આજે બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બંને પદ માટે એક-એક જ ઉમેદવારી પત્ર ભરાતા ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન પદ માટે દિલીપભાઈ શાહ અને વાઇસ ચેરમેન પદ માટે જીતેન્દ્રભાઈ પટેલની અઢી વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે. નવા નેતૃત્વ હેઠળ બેન્કની કામગીરી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




