સાબરકાંઠા

સાબરકાંઠામાં કરાર આધારિત બટાકા પકવતા ખેડૂતોનો વિરોધ ઉગ્ર: માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વાવેતર બંધ રાખવા ગઢોડા ખાતે ખેડૂતોનો મહત્વનો નિર્ણય

સાબરકાંઠા જિલ્લામાં કરાર આધારિત (કોન્ટ્રાક્ટ ફાર્મિંગ) બટાકા પકવતા ખેડૂતો અને કંપનીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા ૩૦ દિવસથી પણ વધુ સમયથી ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે, પરંતુ કંપનીઓ દ્વારા હજુ સુધી કોઈ સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ દરમિયાન હવે કંપનીઓ દ્વારા ખેડૂતોના ઘરે મોકલવામાં આવતા બિયારણનો પણ વ્યાપક વિરોધ શરૂ થયો છે.

બિયારણ મોકલતાં જ આસપાસના ખેડૂતો દોડી આવ્યા, બિયારણ પરત મોકલાવાયું

કંપનીઓ દ્વારા આંદોલન તોડવાના પ્રયાસરૂપે કેટલાક ખેડૂતોના ઘરે બટાકાનું બિયારણ પહોંચાડવાનું શરૂ કરાતાં અન્ય ખેડૂતો સક્રિય બન્યા છે. હિંમતનગર તાલુકાના પ્રતાપપુરા ગામે એક ખેડૂતના ઘરે કંપનીનું બિયારણ ઉતારવામાં આવતાં જ આસપાસના ખેડૂતો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને સંબંધિત ખેડૂત સાથે સમજાવટ કરી બિયારણ પરત મોકલાવ્યું હતું. ખેડૂત ધવલ પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી જિલ્લાના તમામ ખેડૂતોની માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઈએ વાવેતર કરવું જોઈએ નહીં.

ગઢોડા ખાતે તાકીદની બેઠક: ઝોન વાઇઝ ટીમોની રચના

પ્રતાપપુરાની ઘટના બાદ હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે જિલ્લાના ખેડૂત પ્રતિનિધિઓની તાકીદની બેઠક યોજાઈ હતી. જેમાં આગળની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે જો કોઈ ખેડૂતના ઘરે કંપની બિયારણ મોકલશે તો સ્થાનિક ખેડૂતોની ટીમો ત્યાં પહોંચીને સમજાવટ કરશે. આ માટે અલગ-અલગ ઝોન વાઇઝ ટીમોની રચના પણ કરવામાં આવી છે. ખેડૂત પ્રતિનિધિ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સતત વધતી મોંઘવારી અને ખાતર-દવાઓના વધતા ખર્ચ સામે કંપનીઓ દ્વારા આપવામાં આવતો ભાવ તદ્દન પોષણક્ષમ નથી.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ:

  • ભાવ: પ્રતિ ૨૦ કિલો (મણ) બટાકાનો ભાવ રૂ. ૩૦૦થી વધુ મળવો જોઈએ.

  • કપાત બંધ: બટાકાની ઉપજમાં થતી વજનની કપાત અને ‘બ્રાઉન સ્પોટ’ના નામે કરાતી નાણાકીય કપાત સંપૂર્ણપણે નાબૂદ કરવી.

  • ટ્રાન્સપોર્ટેશન: લોડિંગ અને અનલોડિંગનો તમામ ખર્ચ કંપનીઓએ ભોગવવો.

બટાકાના બદલે અન્ય રવિ પાકો વાવવાની તૈયારી

ખેડૂતોએ એકસૂરે સ્પષ્ટ કર્યું છે કે જો કંપનીઓ તેમની ન્યાયી માંગણીઓ નહીં સ્વીકારે તો આ ચાલુ રવિ સિઝનમાં કરાર આધારિત બટાકાનું વાવેતર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને તેના વિકલ્પે અન્ય રવિ પાકોનું વાવેતર કરવામાં આવશે. આવનારા દિવસોમાં આ લડત વધુ આક્રમક બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!