ઇડર

જાદરમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરી ફરાર થયેલ પતિ ગણતરીના કલાકોમાં દ્રારા ઝડપાયો: સાબરકાંઠા LCB ને સફળતા

સાબરકાંઠા જિલ્લાના જાદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલ હરીપુરા ગામની સીમમાં ચારિત્ર્ય અંગે શંકા રાખી પત્નીની કરપીણ હત્યા કરી ભાગી છૂટેલા પતિને સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલભેગો કર્યો છે.

બનાવની વિગત:

જાદર પોલીસ મથક વિસ્તારના હરીપુરા ગામની સીમમાં આવેલા હૈદરભાઈ બાદરપુરાના ખેતરમાં આવેલી ઓરડીમાંથી સોનીબેન રમેશભાઈ પારઘી (ઉં.વ. ૨૬) નામોની મહિલાની લાશ ખાટલામાં ગોદડું ઓઢાડેલી હાલતમાં શંકાસ્પદ મળી આવી હતી. બનાવ બાદ મૃતકના પતિ રમેશભાઈ કેશરાભાઈ પારઘી (રહે. મંડવાલ, તા. કોટડા છાવણી, જી. ઉદેપુર, રાજસ્થાન) ઓરડી પરથી ગાયબ હતા.

આ અંગે મૃતકના ભાઈ મુમાનભાઈ ફોજાભાઈ ગમારે જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બનેવી રમેશભાઈ પારઘી પોતાની બહેન સોનીબેનના ચારિત્ર્ય પર વહેમ રાખી, અવારનવાર માર મારી અને ગળું દબાવી હત્યા કરીને નાસી છૂટ્યા છે. આ ફરિયાદના આધારે જાદર પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (BNS) ની કલમ ૧૦૩(૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

LCB ની કાર્યવાહી અને આરોપીની ધરપકડ:

બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) નાઓની સૂચનાથી LCB પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.એસ.આઈ. એસ.જે. ચાવડા, આર.કે. જોષી, અને આર.જે. જાડેજા સહિત સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધવા તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

દરમિયાન, એલ.સી.બી.ના અ.હે.કો. ભાવિનકુમાર, જીજ્ઞેશકુમાર અને ચિરાગકુમારને બાતમીદાર (હ્યુમન સોર્સ) મારફતે માહિતી મળી હતી કે આરોપી રમેશભાઈ હિંમતનગરથી રિક્ષામાં બેસી દેશોતર તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દાવડ પાસે વોચ ગોઠવી આરોપી રમેશભાઈ કેશરાભાઈ મીનાભાઈ પારઘી (ઉં.વ. ૩૦) ને ઝડપી લીધો હતો.

ઝઘડા બાદ હત્યા કર્યાની કબૂલાત:

પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપી રમેશ પારઘીએ કબૂલાત કરી હતી કે, તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ સાંજના સમયે પત્ની સોનીબેનના ચારિત્ર્ય પર વહેમ રાખી તથા જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન તેણે મારઝૂડ કરી, ગળું દબાવી પત્નીની હત્યા નિપજાવી હતી.

સાબરકાંઠા LCB પોલીસે આરોપી વિરુદ્ધ BNSS કલમ ૩૫(૧)(સી) મુજબ કાર્યવાહી કરી આગળની કાનૂની કાર્યવાહી માટે જાદર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!