ઇડર દિવેલા સંઘ ખાતે સહકારી અગ્રણી સ્વ. ખેમાભાઈ પટેલની ૯મી પુણ્યતિથિ : ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ

સાબરકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ સમાન અને ઇડર દિવેલા સંઘના આધ્યસ્થાપક સ્વ. ખેમાભાઈ હીરાભાઈ પટેલની ૯મી પુણ્યતિથિ નિમિત્તે તાજેતરમાં ઇડર દિવેલા સંઘ ખાતે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને વિવિધ મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વ. ખેમાભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના યોગદાનને યાદ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ સ્વ. ખેમાભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિ અને નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. તેમણે સાબરકાંઠા બેન્ક, સાબર ડેરી, ગુજકોમાસોલ, ઇફકો (IFFCO), નાફેડ (NAFED), ગ્રોફેડ, જિલ્લા સહકારી સંઘ, ઇડર સહકારી જીન તેમજ ઇડર સહકારી સંઘ સહિતની રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થાઓના ગઠન અને વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, ગ્રામીણ સ્તરે નવા ગામની દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીના સશક્તિકરણમાં પણ તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
આ શ્રદ્ધાંજલિ સભામાં ઇડર દિવેલા સંઘના ચેરમેન અશોક પટેલ, સત્યજીતસિંહ બાપુ, ભોગીલાલ પટેલ અને મહેન્દ્ર પટેલ સહિત સહકારી ક્ષેત્રના અનેક અગ્રણીઓ, હોદ્દેદારો તથા સ્થાનિક નાગરિકોએ હાજરી આપી સ્વ. ખેમાભાઈ પટેલના સંસ્મરણો તાજા કર્યા હતા.



