સાબરકાંઠા

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના: ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ભારત તરફ મજબૂત પગલું

સાબરકાંઠાના 19,326 ઘરોમાં સોલર પેનલ કાર્યરત, રૂ. 13.92 કરોડની વાર્ષિક વીજ બિલ બચત

હિંમતનગર, પ્રતિનિધિ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ 12 વર્ષની ઉજવણી વચ્ચે દેશ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે. પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવા, સામાન્ય નાગરિકોના વીજ બિલમાં રાહત પહોંચાડવા અને હરિત ઊર્જાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ સાબરકાંઠા જિલ્લામાં નોંધપાત્ર સફળતા મેળવી રહી છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં 19,326 ઘરોમાં રૂફટોપ સોલાર પેનલો સ્થાપિત કરવામાં આવી છે, જેના પરિણામે હજારો પરિવારોના વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ યોજના હેઠળ દેશભરના 30 લાખથી વધુ પરિવારોને રૂફટોપ સોલાર સિસ્ટમ માટે રૂ. 78,000 સુધીની સબસીડી આપવામાં આવે છે. પરિણામે લાભાર્થી પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળીનો લાભ મળી રહ્યો છે. ઉપરાંત વધારાની વીજળી ગ્રીડમાં વેચીને વધારાની આવક મેળવવાની તક પણ ઉપલબ્ધ બની છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતે ગ્રીન એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં અનેકગણો વધારો નોંધાયો છે અને “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય”ના મંત્ર સાથે દેશ ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. પીએમ સૂર્ય ઘર યોજના ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવી રહી છે.

આ યોજના માત્ર આર્થિક બચત સુધી મર્યાદિત નથી, પરંતુ કાર્બન ઉત્સર્જન ઘટાડીને પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. સ્વચ્છ અને હરિત ઊર્જાને અપનાવતા દેશવાસીઓ ગ્રીન એનર્જી ક્રાંતિના સહભાગી બની રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર, તલોદ સહિતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પરિવારો રૂફટોપ સોલાર યોજના તરફ ઝડપથી વળી રહ્યા છે. સ્થાનિક વીજ કંપનીઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સબસીડી અને મંજૂરી પ્રક્રિયા સરળ બનાવાતા વધુને વધુ પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

તાલુકાવાર સોલાર પેનલ સ્થાપનાની સ્થિતિ

તાલુકો લાભાર્થી પરિવારો
હિંમતનગર 8,642
ઈડર 5,012
તલોદ 1,346
વડાલી 1,156
ખેડબ્રહ્મા 1,146
પ્રાંતિજ 977
વિજયનગર 962
પોશીના 85

જિલ્લામાં કુલ 19,326 પરિવારો દ્વારા સોલાર પેનલ સ્થાપિત કરાતા અંદાજે રૂ. 13.92 કરોડની વાર્ષિક વીજ બિલ બચત થઈ રહી છે, જે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની સફળતા અને લોકપ્રિયતાનું પ્રતિબિંબ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!