હિંમતનગરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાનને વેગ

વડાપ્રધાનના ‘એક પેડ માં કે નામ’ અભિયાનને વધુ વેગ આપવા હિંમતનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ખાતે વન વિભાગ અને આઈટીઆઈના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ હિતેશ પટેલ સહિતના જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વૃક્ષારોપણ કરી હરિયાળું ગુજરાત નિર્માણ માટે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે માત્ર વૃક્ષો વાવવાથી જ કાર્ય પૂર્ણ થતું નથી, પરંતુ તેનું યોગ્ય જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે દરેક નાગરિકને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું રક્ષણ કરવાની અપીલ કરી હતી.
રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા શાળાઓ, કોલેજો, ગ્રામ પંચાયતો, સરકારી કચેરીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજ્યભરમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે, પ્રદૂષણમાં ઘટાડો થાય અને હરિયાળું ગુજરાતનું નિર્માણ થાય તે માટે વૃક્ષારોપણને જનઆંદોલન બનાવવાની જરૂરિયાત પર કાર્યક્રમમાં ભાર મૂકવામાં આવ્યો હતો.




