‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ના સફળ આયોજન અંગે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
તા. ૨૨ સપ્ટેમ્બર સુધી મહત્તમ રજીસ્ટ્રેશન કરાવવા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અપીલ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કક્ષાએ રમતગમત સ્પર્ધાઓનું સુચારુ આયોજન અને ખેલાડીઓના રજીસ્ટ્રેશનની સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સિંગ (VC)ના માધ્યમથી અમલીકરણ અધિકારીઓની અગત્યની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ રમતગમતના આ મહાકુંભમાં જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભા દર્શાવી શકે તે હેતુથી તમામ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી.
-
શાળા, ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ સુચારુ આયોજન: કલેક્ટરશ્રીએ શાળા કક્ષાથી લઈને ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષા સુધી સ્પર્ધાઓનું સુવ્યવસ્થિત સંચાલન થાય તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
-
ખેલાડીઓ માટે પાયાની સુવિધાઓ: રમતવીરોને સ્પર્ધા દરમિયાન જરૂરી માર્ગદર્શન, સુવિધાઓ અને યોગ્ય વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવા અમલીકરણ અધિકારીઓને જણાવાયું હતું.
-
મહત્તમ ભાગીદારી પર ભાર: જિલ્લાના તમામ વયજૂથના રમતવીરો ઉત્સાહપૂર્વક ભાગ લે તે માટે જાગૃતિ લાવવા સૂચન કરવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ સાબરકાંઠા જિલ્લાના તમામ ઉભરતા અને ઉત્સાહી ખેલાડીઓને ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’માં ભાગ લેવા માટે તા. ૨૨ સપ્ટેમ્બર સુધીમાં વહેલામાં વહેલી તકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા ખાસ અપીલ કરી છે.




