પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારીઓનું પેનડાઉન
સરકાર સામે સાબરકાંઠા સહિત રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન, કચેરીમાં હાજર રહી કામગીરીથી અળગા રહ્યા કર્મચારીઓ

ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા લાંબા સમયથી રજૂ કરાતા પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા કર્મચારીઓએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ આંદોલનના પ્રથમ તબક્કા તરીકે શુક્રવારે સાબરકાંઠા સહિત રાજ્યભરની લેન્ડ રેકર્ડ કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારીઓએ કચેરીમાં હાજર રહી પેનડાઉન કરી કામગીરીથી અળગા રહી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
કર્મચારી મંડળના જણાવ્યા મુજબ વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. ખાસ કરીને સિનિયર સર્વેયર અને સર્વેયર સંવર્ગના પગારધોરણમાં સુધારો કરવાની માંગને લઈને કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
કર્મચારીઓની મુખ્ય માંગમાં સિનિયર સર્વેયર સંવર્ગનું હાલનું રૂ. 29,200-92,300 પે મેટ્રિક્સ લેવલ-5 (ગ્રેડ પે રૂ. 2,800)નું પગારધોરણ વધારી રૂ. 39,900-1,26,600 પે મેટ્રિક્સ લેવલ-7 (ગ્રેડ પે રૂ. 4,400) કરવા તેમજ સર્વેયર સંવર્ગનું હાલનું રૂ. 25,500-81,100 પે મેટ્રિક્સ લેવલ-4 (ગ્રેડ પે રૂ. 2,400)નું પગારધોરણ વધારી રૂ. 29,200-92,300 પે મેટ્રિક્સ લેવલ-5 (ગ્રેડ પે રૂ. 2,800) કરવા સહિતની માંગણીઓનો સમાવેશ થાય છે.
આ માંગણીઓ અંગે વારંવાર રજૂઆત અને આંદોલનની ચીમકી આપવામાં આવી હોવા છતાં સરકાર તરફથી અપેક્ષિત કાર્યવાહી નહીં થતાં કર્મચારી મંડળે તબક્કાવાર આંદોલન જાહેર કર્યું છે. તેના ભાગરૂપે શુક્રવારે કર્મચારીઓએ કચેરીમાં હાજરી આપી પેનડાઉન કરી સરકારી કામગીરી બંધ રાખી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલા પેનડાઉન કાર્યક્રમમાં લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળના જિલ્લા પ્રમુખ અંકિત પટેલ, મંત્રી અજય ચૌહાણ, સહમંત્રી પુનમકુંવર કુંપાવત, વૈષ્ણવી જોષી, સંગઠન મંત્રી શ્યામસુંદર પટેલ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
જિલ્લાની હિંમતનગર, ઇડર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, તલોદ, વિજયનગર અને વડાલી સહિતની લેન્ડ રેકર્ડ કચેરીઓના કર્મચારીઓએ પેનડાઉન કાર્યક્રમમાં ભાગ લઈ કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.
કર્મચારી મંડળે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.




