ટોચના સમાચાર

સાબરકાંઠામાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજથી રાજ્યવ્યાપી નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ: ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન યોજાશે જનજાગૃતિ કાર્યક્રમો

મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર દરમિયાન રાજ્યવ્યાપી નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત વ્યસનમુક્તિ અને નશાબંધી અંગે જનજાગૃતિ કેળવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક તથા સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનોના સહયોગથી વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવશે.

આ સપ્તાહ દરમિયાન શાળાઓ અને વિધવિધ સંગઠનો દ્વારા વ્યસનમુક્તિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રસ્પર્ધા, શેરી નાટક, પોસ્ટર પ્રદર્શન, પ્રેઝન્ટેશન, વિચારગોષ્ઠી તેમજ સામૂહિક સંકલ્પ લેવડાવવા જેવા કાર્યક્રમો હાથ ધરાશે.

કાર્યક્રમની રૂપરેખા:

  • ૨ ઓક્ટોબર (શુક્રવાર): સવારે ૯:૦૦ વાગ્યે હિંમતનગર સ્થિત જિલ્લા જેલ ખાતેથી નશાબંધી સપ્તાહનો સત્તાવાર પ્રારંભ.

  • ૩ ઓક્ટોબર: ખેડબ્રહ્મા ખાતે જાગૃતિ કાર્યક્રમ.

  • ૪ ઓક્ટોબર: તલોદ તાલુકાના ઉજેડિયા ગામે વિવિધ પ્રવૃત્તિઓ.

  • ૫ ઓક્ટોબર: પ્રાંતિજ ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમ.

  • ૬ ઓક્ટોબર: સોનાસણ ખાતે જનજાગૃતિ ઝુંબેશ.

  • ૭ ઓક્ટોબર: હિંમતનગર ખાતે વિશેષ કાર્યક્રમ.

  • ૮ ઓક્ટોબર: આકોદરા ખાતે સમાપન કાર્યક્રમ.

આ તમામ આયોજનોમાં ‘નશો નોતરે નાશ’, ‘નશામુક્ત સમાજ, નશામુક્ત ભારત’ અને ‘મારો પરિવાર, નશામુક્ત પરિવાર’ જેવા સૂત્રો સાથે નાગરિકોને વ્યસનની ગંભીર અસરોથી માહિતગાર કરવામાં આવશે. જિલ્લા નશાબંધી સલાહકાર સમિતિ અને સ્થાનિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કાર્યક્રમો દ્વારા સ્વસ્થ અને નશામુક્ત સમાજના નિર્માણ માટે નાગરિકોને સામૂહિક સંકલ્પ લેવડાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!