પોશીનાના લાંબડીયામાં સસ્તા અનાજની દુકાનમાં ગંભીર બેદરકારી: બાજરીના નામે ગુણવત્તા વગરનું ભૂસું વિતરિત કરાતા ગ્રામજનોમાં ભારે રોષ

પોશીના તાલુકાના લાંબડીયા ગામ ખાતે આવેલી સસ્તા અનાજની (પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર) દુકાનમાંથી રેશનકાર્ડ ધારકોને આપવામાં આવતા અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહીશોને મળવાપાત્ર બાજરીના બદલે અત્યંત ખરાબ અને ભૂસા જેવું કચરાયુક્ત અનાજ પધરાવી દેવામાં આવતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે.
“આ અનાજ માણસ માટે છે કે ઢોર માટે?” – ગ્રામજનોનો આક્રોશ દુકાન પરથી અનાજ મેળવનાર સ્થાનિક રેશનકાર્ડ ધારકોએ વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે, આ પ્રકારનું ભૂસું માણસ તો શું, ઢોર પણ ખાઈ શકે તેમ નથી. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર માટે સરકારે નક્કી કરેલું અનાજ જો આટલી હલકી ગુણવત્તાનું આપવામાં આવતું હોય, તો લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે. કેટલાક ગ્રાહકો પાસે આ અનાજના સેમ્પલ પણ જાળવી રાખવામાં આવ્યા છે.
ગોડાઉન મેનેજર નિસર્ગ પ્રજાપતિની સફાઈ: આ મામલે પોશીના ગોડાઉનના મેનેજર નિસર્ગ પ્રજાપતિ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઉપરથી જે પ્રકારનો માલ/અનાજ સપ્લાય કરવામાં આવે છે, તે જ મુજબ આગળ મોકલવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ કાર્ડધારકને અનાજની ગુણવત્તા સામે વાંધો હોય તો તેઓ અનાજ બદલી આપવા તૈયાર છે.
કડક તપાસ અને કાયમી ઉકેલની માંગ સ્થાનિકોનો આરોપ છે કે અનાજ મોકલતી વખતે યોગ્ય ચકાસણી કરવામાં આવતી નથી. માત્ર અનાજ બદલી આપવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી, પરંતુ ઉપરથી આવતા અનાજની ગુણવત્તા જાળવવી જરૂરી છે. ગ્રામજનોએ પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરે અને લોકોને ખાવા યોગ્ય અનાજ સમયસર મળે તેવી માંગ કરી છે.




