અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેનના સમયમાં ફેરફાર: આજથી મેળા સ્પેશિયલ બંધ, ૩૦ ઓક્ટોબર સુધી નવું ટાઈમ ટેબલ અમલી

સાબરકાંઠા-અરવલ્લીના સાંસદની રજૂઆતને પગલે ભાદરવી પૂનમના મેળા માટે ગત તા. ૧૯ સપ્ટેમ્બરથી શરૂ કરાયેલી અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ ટ્રેનની સેવા ગુરુવારે તેનો છેલ્લો ફેરો પૂર્ણ કરી બંધ થઈ ગઈ છે. આ સાથે જ રેલ્વે તંત્ર દ્વારા અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેનના સમયપત્રકમાં પણ મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે, જે આજથી (શુક્રવાર) આગામી ૩૦ ઓક્ટોબર સુધી અમલમાં રહેશે.
રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, અંબાજી અને ખેડબ્રહ્મા જતાં માઈભક્તો અને વેપારીઓની સુવિધા અર્થે શરૂ કરાયેલી મેળા સ્પેશિયલ ટ્રેનથી અમદાવાદ, દહેગામ, રખિયાલ, તલોદ અને પ્રાંતિજ વિસ્તારના નોકરિયાત વર્ગ તથા વેપારીઓને મોટો લાભ મળ્યો હતો. ૧ ઓક્ટોબર સુધીની મુદત પૂર્ણ થતાં આ ટ્રેન હવે બંધ કરવામાં આવી છે.
અસારવા સ્ટેશને કામગીરી અને રૂટ ડાયવર્ઝન
હાલ અસારવા રેલ્વે સ્ટેશન ખાતે દીવાલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાથી ઉદયપુર અને હિંમતનગર તરફથી આવતી કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જેથી આ ટ્રેનો નરોડાથી ઉપડશે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે ન્યૂ મોડાસા રેલ્વે લાઈનના જોઈન્ટનું કામ ચાલુ હોવાથી લાંબા અંતરની કેટલીક ટ્રેનો રદ કરાઈ છે અથવા તેમના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેના કારણે આંતરરાજ્ય મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.
અસારવા-ખેડબ્રહ્મા ટ્રેનનું નવું ટાઈમ ટેબલ
| સ્ટેશન | પહોંચવાનો / ઉપડવાનો સમય |
| અસારવા (ઉપડશે) | સાંજે ૧૯:૦૫ (૭:૦૫) વાગે |
| વચગાળાના સ્ટેશનો | સરદારગ્રામ, નરોડા, ડભોડા, નાંદોલ-દહેગામ, રખિયાલ, તલોદ, પ્રાંતિજ, સોનાસણ, હિંમતનગર, ઈડર |
| ખેડબ્રહ્મા (પહોંચશે) | રાત્રે ૨૨:૦૦ (૧૦:૦૦) વાગે |




