સાબરકાંઠા

સાબરકાંઠા સાયબર ક્રાઇમની સતર્કતાથી વૃદ્ધ દંપતી ‘ડિજિટલ અરેસ્ટ’ ઠગાઈમાંથી બચ્યું

સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે એક મોટી ‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર ઠગાઈને નિષ્ફળ બનાવી ૭૫ વર્ષીય વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાનું નુકસાન થતું અટકાવ્યું છે.

સાયબર ઠગોએ મુંબઈ પોલીસના અધિકારીઓ તરીકે ઓળખ આપી દંપતીને ત્રણ દિવસ સુધી વીડિયો કોલ પર રાખી તેમના આધાર કાર્ડનો ઉપયોગ નાણાકીય કૌભાંડમાં થયો હોવાનો ખોટો ડર બતાવ્યો હતો. કેસમાંથી નામ હટાવવા માટે ઠગોએ ૨૫ તોલા સોનું ઓગાળીને બિસ્કિટ બનાવવાની તેમજ રૂ. ૨ લાખની ફિક્સ ડિપોઝિટ તોડવાની સૂચના આપી હતી.

વૃદ્ધ દંપતી જ્યારે એક્સિસ બેંકમાં નાણાંની વ્યવસ્થા કરવા પહોંચ્યું ત્યારે બેંકના સતર્ક કર્મચારીએ તેમની ગભરાયેલી સ્થિતિ જોઈ તાત્કાલિક સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી. પોલીસની ટીમ તરત જ બેંક પહોંચી, દંપતીનું કાઉન્સેલિંગ કર્યું અને તેઓ સાયબર ઠગાઈનો ભોગ બની રહ્યા હોવાનું સમજાવી તેમને પૈસા અને સોનું ગુમાવતા બચાવી લીધા.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને તાત્કાલિક મદદ પહોંચાડવા પોલીસને સૂચના આપી છે. તેમણે તાજેતરમાં વરિષ્ઠ પોલીસ અને બેંક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સાયબર ગુનાઓ અટકાવવા માટે વધુ અસરકારક સંકલન પર ભાર મૂક્યો હતો.

પોલીસની મહત્વપૂર્ણ અપીલ

  • અજાણી લિંક અથવા APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ ન કરો.
  • કોઈપણ એપ્લિકેશન માત્ર સત્તાવાર Google Play Store અથવા Apple App Store પરથી જ ઇન્સ્ટોલ કરો.
  • કોઈપણ પોલીસ કે સરકારી એજન્સી વીડિયો કોલ દ્વારા તપાસ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી.
  • શંકાસ્પદ કૉલ કે મેસેજ મળે તો તરત જ સાયબર હેલ્પલાઇન 1930 અથવા નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!