હિંમતનગરમાં બે શહેરો વસે છે: એક ચમકતું, બીજું પ્રાથમિક સુવિધાઓથી વંચિત

હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર–૫ના વાઘેલાવાસ તથા આસપાસના સ્લમ વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના એક તરફ પોશ વિસ્તારોમાં વિકાસની ચમક જોવા મળે છે, જ્યારે બીજી તરફ સ્લમ વિસ્તારોના રહેવાસીઓ ગટર, ગંદકી, સાફ-સફાઈ અને જાહેર શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ હિંમતનગર નગરપાલિકામાં છેલ્લા અંદાજે ૫૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. વોર્ડ નંબર–૫માંથી હાલ ચારેય કોર્પોરેટરો ભાજપના ચૂંટાયેલા છે અને ભૂતકાળમાં આ વિસ્તારના પ્રતિનિધિ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમ છતાં વિસ્તારના વિકાસ અંગે અનેક પ્રશ્નો યથાવત્ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઈનો અને ચેમ્બરો જર્જરિત હાલતમાં હોવાનું જણાવાયું છે. અનેક સ્થળોએ ગટર વ્યવસ્થા યોગ્ય ન હોવાથી ગંદુ પાણી ખુલ્લી નાળીઓમાં વહે છે. ઉપરાંત, ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનની દુર્દશાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે અને ભાગ્યોદય હોસ્પિટલ પાછળ મંદિર પાસે થઈ સતત હાથમતી નદીમાં છોડવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે નદીમાં પ્રદૂષણ વધતું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવને કારણે વિસ્તારના લોકો આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સાથે જ અગાઉનું જાહેર સુલભ શૌચાલય તોડી પાડ્યા બાદ હજુ સુધી નવું શૌચાલય બનાવવામાં આવ્યું ન હોવાથી તાત્કાલિક નવી સુવિધા ઉભી કરવાની પણ માંગ કરવામાં આવી છે.આ મુદ્દાઓને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ બારોટની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો, સ્થાનિક મહિલાઓ અને નાગરિકોના પ્રતિનિધિમંડળે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.રજૂઆત દરમિયાન ચીફ ઓફિસરે ભૂગર્ભ ગટર વિભાગના અધિકારીને તાત્કાલિક બોલાવી સ્થળ નિરીક્ષણ કરવા, સર્વે હાથ ધરવા અને વહેલી તકે સમસ્યાના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું કોંગ્રેસ દ્વારા જણાવાયું છે.શહેર કોંગ્રેસે જણાવ્યું છે કે હિંમતનગરના તમામ વોર્ડોમાં આયોજનબદ્ધ વિકાસ થાય અને નાગરિકોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે તેઓ સતત પ્રયાસશીલ રહેશે.




