સાબરકાંઠામાં પોલિયો અભિયાન સફળ: ૧.૭૨ લાખથી વધુ બાળકોને અપાઈ રસી
આરોગ્ય વિભાગે ૩.૧૩ લાખથી વધુ ઘરોની મુલાકાત લઈને એકપણ બાળક વંચિત ન રહે તેની કરી ખાતરી

સાબરકાંઠા જિલ્લામાં બાળ લકવા (પોલિયો) નાબૂદી અભિયાન અંતર્ગત આયોજિત ત્રિ-દિવસીય પોલિયો રસીકરણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. અભિયાન દરમિયાન જિલ્લામાં કુલ ૧,૭૨,૯૭૧ બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવી તેમના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય માટે રક્ષણ આપવામાં આવ્યું છે.
જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ અભિયાનના પ્રથમ દિવસે જ ૧,૪૮,૦૦૦ બાળકોને રસી આપવામાં આવી હતી. બીજા દિવસે ૧૭,૧૭૯ અને ત્રીજા દિવસે ૭,૭૯૨ બાળકોને રસી આપીને નક્કી કરાયેલ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો હતો.
બુથ આધારિત રસીકરણ પૂર્ણ થયા બાદ પણ એકપણ બાળક પોલિયોની સુરક્ષાથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમોએ ઘર-ઘર જઈ સઘન સર્વે હાથ ધર્યો હતો. બે દિવસ દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ જિલ્લાના ૩,૧૩,૨૧૯ ઘરોની મુલાકાત લઈને દરેક બાળક સુધી પહોંચવાની ખાતરી કરી હતી.
આ સમગ્ર અભિયાનમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો તેમજ સ્વયંસેવકોએ સંકલિત પ્રયાસો અને સમર્પણ સાથે કામગીરી બજાવી હતી.
જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ પોલિયો રસીકરણ અભિયાન માત્ર રસી આપવાનો કાર્યક્રમ નહીં, પરંતુ જિલ્લાના દરેક બાળકને પોલિયોથી મુક્ત અને સ્વસ્થ જીવન આપવાનો દૃઢ સંકલ્પ છે.
અભિયાનની સફળતા બાદ જિલ્લા આરોગ્ય વિભાગે તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ ભવિષ્યમાં યોજાનારા તમામ રસીકરણ કાર્યક્રમોમાં સક્રિય સહભાગી બની પોતાના બાળકોને સમયસર રસી અપાવે. “બે ટીપા જીવનના – પોલિયોથી સદાકાળ રક્ષણ” એ જ સ્વસ્થ સમાજનો મજબૂત પાયો હોવાનું આરોગ્ય તંત્રે જણાવ્યું છે.




