વહેમનો લોહિયાળ અંત : એક જ પરિવારનાં ત્રણ મોત

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુર ગામે શનિવાર મોડી રાત્રે બનેલી હૃદયદ્રાવક ઘટનાની માહિતી આજે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આડા સંબંધના વહેમ અને પારિવારિક કલહે લોહિયાળ રૂપ ધારણ કરતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

પોલીસે આપેલી વિગતો મુજબ સંગ્રામપુર ગામે રહેતા શ્રવણ ગમારે પોતાની પત્નિ પર વહેમ રાખી પહેલા તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પત્નિ ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.ત્યારબાદ શ્રવણ ગમારે પોતાના બે વર્ષના માસૂમ પુત્ર પર પણ કુહાડીના ઘા ઝીંકી તેની નિર્દયી હત્યા કરી નાખી હતી. પત્નિને બચાવવા વચ્ચે પડેલી શ્રવણની માતા પર પણ હુમલો કરતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાથી ઉશ્કેરાયેલા શ્રવણના ભાઈ ઈશ્વર ગમાર અને કાકીએ શ્રવણ પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે શ્રવણ ગમારનું પણ મોત થયું હતું.

આ સમગ્ર બનાવમાં શ્રવણ ગમારનો બે વર્ષનો પુત્ર, તેની માતા અને શ્રવણ ગમાર એમ એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે પત્નિ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ખેડબ્રહ્મા પોલીસે બે અલગ અલગ ફરિયાદો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.



