ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર આઇસર ટ્રકમાં ભયંકર આગ, ટ્રાફિક જામ

શીતલ ઠાકર,ગાંધીનગર
ખેડબ્રહ્મા-અંબાજી સ્ટેટ હાઇવે પર પ્લાસ્ટિકના થેલા ભરેલી આઇસર ટ્રકમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે લાગેલી આ આગને કારણે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી.
ખેડબ્રહ્મા તાલુકાના મટોડાના ગામ નજીક બનેલી આ ઘટનામાં હિંમતનગરથી ખેરોજ તરફ જઈ રહેલી આઇસર ટ્રક આગની ઝપેટમાં આવી ગઈ હતી અને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલો માલસામાન પણ આગમાં ભસ્મ થઈ ગયો હતો.

આગ લાગવાના પગલે હાઇવેનો એક તરફનો માર્ગ તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટ્રાફિક પોલીસના ચંદનસિંહ સહિતની ટીમે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી એક તરફનો હાઇવે ફરી શરૂ કરાવ્યો હતો.
આ તરફ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી, પરંતુ આગના કારણે ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.





