સાબરકાંઠા SP ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની આગેવાનીમાં પોલીસ ટીમનું પદયાત્રા રૂટ પર સઘન ફૂટ પેટ્રોલિંગ
ઇડરથી ખેડબ્રહ્મા સુધીના માર્ગ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા: એલસીબી અને એસઓજી ટીમ સાથે રાખી એસપીએ પરિસ્થિતિનું જાતનિરીક્ષણ કર્યું; ખેડબ્રહ્મા ખાતે માતાજીના દર્શન કર્યા

અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે માર્ગો પરથી પસાર થતાં લાખો માઈભક્તો અને પદયાત્રીઓની સુરક્ષા તેમજ સલામતી સુનિશ્ચિત કરવા સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અભૂતપૂર્વ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ શ્રદ્ધા પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને યાત્રાળુઓને સરળતા રહે તે હેતુથી સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ પોતે મેદાનમાં ઉતર્યા હતા.
તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સીધી આગેવાની અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના કાફલા સાથે ઈડરથી ખેડબ્રહ્મા સુધીના મુખ્ય અંબાજી પદયાત્રા રૂટ પર રાત્રિના સમયે સઘન ‘ફૂટ પેટ્રોલિંગ’ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા
ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિક્ષક દ્વારા પદયાત્રા માર્ગ પર ટ્રાફિકનું નિયમન, રાત્રિ પ્રકાશ વ્યવસ્થા, સેવા કેમ્પો ખાતેની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું સ્થળ પર પહોંચીને બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનો અને કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહી માર્ગ પર કોઈપણ પ્રકારની અડચણ વગર પદયાત્રીઓ સલામત રીતે આગળ વધી શકે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ખેડબ્રહ્મા ખાતે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
ઈડરથી શરુ થયેલું આ ફૂટ પેટ્રોલિંગ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ખેડબ્રહ્મા સુધી પહોંચ્યું હતું. જ્યાં એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ તેમજ એલસીબી અને એસઓજીની ટીમે ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબિકા માતાજી (નાના અંબાજી)ના ચરણોમાં શીશ નમાવી દર્શનનો લહાવો લીધો હતો અને જિલ્લામાં શાંતિ, સમૃદ્ધિ તેમજ પદયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે પ્રાર્થ્યા હતા.
સાબરકાંઠા પોલીસ તંત્ર દ્વારા પદયાત્રીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ભય બની પોતાની શ્રદ્ધા યાત્રા પૂર્ણ કરે, તેમજ માર્ગ પર કોઈપણ સહાય કે કટોકટીના સમયે નજીકના પોલીસ પોઈન્ટ અથવા હેલ્પલાઈનનો સંપર્ક કરે.




