રાધીવાડ ગામે વિદ્યાર્થીઓ-યુવાનો માટે જ્ઞાન કેન્દ્રનો પ્રારંભ
વાંચન, રોજગારી, સરકારી યોજના અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગદર્શન માટે વિશેષ આયોજન

રાધીવાડ ગામે વિદ્યાર્થીઓ-યુવાનો માટે જ્ઞાન કેન્દ્રનો પ્રારંભ
વાંચન, રોજગારી, સરકારી યોજના અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના માર્ગદર્શન માટે વિશેષ આયોજન
ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ ગામે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે એક અનોખા જ્ઞાન કેન્દ્રનો પ્રારંભ થઈ રહ્યો છે. થોડા સમય પહેલાં ગામના કેટલાક યુવક-યુવતીઓ રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ મહેનત કરવા છતાં થોડાક માર્કસના તફાવતે પસંદગીથી વંચિત રહી ગયા હતા. આ પરિસ્થિતિમાંથી પ્રેરાઈને ગામના યુવાનોને વધુ સારું માર્ગદર્શન મળે અને તેઓ સફળતા મેળવે તે માટે મનોમંથન કરવામાં આવ્યું હતું.
આ જ્ઞાન કેન્દ્ર માટે મૂળ રાધીવાડના નિવાસી અને હાલ લંડન, ઈંગ્લેન્ડ ખાતે સ્થાયી થયેલા સ્વ. હરિભગવાન જોષીના પુત્રો સર્વશ્રી યોગેશભાઈ જોષી, મુંજાલ જોષી અને હેમંત જોષીએ પોતાનું મકાન વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉત્કર્ષ માટે ઉપયોગમાં લેવાની તૈયારી દર્શાવી. ગામના યુવાનોએ તેમનો સંપર્ક કરતાં તેમણે તુરંત જ સંમતિ આપી અને જરૂરી સહાયની લાગણી વ્યક્ત કરી. યુવાનોને સારું વાંચન મળે, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન મળે અને તેઓ સફળતા મેળવે તેવા ઉમદા હેતુ સાથે આ જ્ઞાન કેન્દ્ર સાકાર થઈ રહ્યું છે.
આ કેન્દ્રને આગળ ધપાવવા માટે ટીમ રાધીવાડના સર્વશ્રી નિખિલેશ ઉપાધ્યાય (ગુજરાત સરકારના પૂર્વ નાયબ માહિતી નિયામકશ્રી), નરેન્દ્રસિંહ ચૌહાણ (સી.આર.સી.), જયપાલસિંહ, પરમસિંહ, રવિ પંચાલ, દિવ્યરાજસિંહ સહિત શિક્ષકો અને યુવાનો-વિદ્યાર્થીઓની એક ટીમ દ્વારા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
કેન્દ્રમાં મળશે આ સુવિધાઓ
આ કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે વાંચન ખંડની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવક-યુવતીઓને નિષ્ણાતોને બોલાવીને વિશેષ ક્લાસ દ્વારા માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત રાજ્ય સરકારની જનસમુદાયના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામજનોને મળે, વિવિધ પોર્ટલની સેવાઓની સમજ મળે તથા ‘મારી યોજના’ પોર્ટલ સહિત અન્ય પોર્ટલ પરથી લાભ કઈ રીતે લઈ શકાય તેનું માર્ગદર્શન પણ અપાશે. યુવાનોને રોજગારી મેળવવા માટે પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
વાંચન માટે કેન્દ્રમાં પુસ્તકો, અખબારો અને વિવિધ મેગેઝિનની વ્યવસ્થા કરવામાં આવશે.
આ જ્ઞાન કેન્દ્ર ઊભું કરવા માટે ગામના યુવાનો અને વિદ્યાર્થીઓ તરફથી પૂરો સહયોગ મળી રહ્યો છે.




