સાબરકાંઠાવાસીઓ માટે ખુશખબર: હિંમતનગર GMERS સિવિલમાં CM સેતુ યોજના હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓનો પ્રારંભ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલી ગઢોડા રોડ સ્થિત GMERS સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. રાજ્ય સરકારની ‘CM સેતુ યોજના’ અંતર્ગત હોસ્પિટલમાં વિવિધ ગંભીર અને જટિલ રોગો માટે સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની OPD સેવાઓનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સુવિધા શરૂ થવાથી સાબરકાંઠા તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોના દર્દીઓને હવે નિષ્ણાત સારવાર માટે અમદાવાદ જેવા મોટા શહેરો સુધી ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને સ્થાનિક કક્ષાએ જ ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ બનશે.
સુપર સ્પેશ્યાલિસ્ટ OPDનો સમયપત્રક:
-
નેફ્રોલોજી: સોમવારથી શુક્રવાર (બપોરે ૨:૦૦ થી ૫:૦૦) અને શનિવાર (સવારે ૯:૩૦ થી ૧૨:૩૦)
-
કાર્ડિયોલોજી: મંગળવાર, ગુરુવાર અને શુક્રવાર (બપોરે ૨:૦૦ થી ૫:૦૦)
-
ગેસ્ટ્રોએન્ટ્રોલોજી: મંગળવાર અને શુક્રવાર (બપોરે ૨:૦૦ થી ૫:૦૦) તથા શનિવાર (સવારે ૯:૦૦ થી ૧૨:૦૦)
-
ન્યુરોસર્જરી: સોમવારથી શનિવાર (સવારે ૯:૦૦ થી ૧૨:૦૦)
-
યુરોસર્જરી: મંગળવાર, બુધવાર અને શુક્રવાર (સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦)
સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, CM સેતુ યોજના હેઠળ સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકથી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓમાં મોટો સુધારો થશે અને ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને સમયસર સારવાર મળી રહેશે.




