સાબરકાંઠામાં ૧થી ૧૪ સપ્ટેમ્બર સુધી ‘ULLAS સાક્ષરતા પખવાડિયા’ની ઉજવણી
૮ સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિને વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજાશે

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિર્દેશાનુસાર સાબરકાંઠા જિલ્લામાં તા. ૧ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘ULLAS સાક્ષરતા પખવાડિયું’ (આંતરરાષ્ટ્રીય સાક્ષરતા સપ્તાહ)ની ઉજવણી કરવામાં આવશે. પખવાડિયા દરમિયાન તા. ૮ સપ્ટેમ્બરના રોજ **‘વિશ્વ સાક્ષરતા દિન’**ની વિશેષ ઉજવણી સાથે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.
જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા સમગ્ર જિલ્લામાં જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
પખવાડિયા દરમિયાન ULLAS એપ નોંધણી માટે ઘરે-ઘરે સર્વે તથા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવશે. નિરક્ષર શીખનારાઓ તેમજ સ્વયંસેવક શિક્ષકોની એપ્લિકેશન પર નોંધણી કરવામાં આવશે. ઉપરાંત DIET, શાળાઓ, કોલેજો, NCC, NSS તથા સ્કાઉટ્સ-ગાઈડ્સના સહયોગથી વર્કશોપ, સેમિનાર અને બેઠકો યોજી સાક્ષરતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
ગ્રામ પંચાયત સ્તરે પંચાયતી રાજ સંસ્થાઓ, મહિલા સ્વસહાય જૂથો અને આંગણવાડી કાર્યકરો સાથે બેઠકો યોજી જનભાગીદારી વધારવામાં આવશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બેનરો તથા પ્લેકાર્ડ્સ સાથે સાક્ષરતા રેલી, સાયકલ રેલી, પ્રભાત ફેરી અને નુક્કડ નાટકોનું આયોજન પણ કરવામાં આવશે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા અભિયાન, વોલ પેઇન્ટિંગ, પોસ્ટર્સ, પેમ્ફલેટ્સ, રેડિયો જિંગલ્સ તથા ટૂંકી ફિલ્મો દ્વારા સાક્ષરતા અંગે વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાની તમામ સરકારી તથા બિન-સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પખવાડિયા દરમિયાન વિવિધ શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાશે. સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નિરક્ષર વ્યક્તિઓને સાક્ષરતાની મુખ્યધારામાં જોડવા સાથે સમાજમાં શિક્ષણ અને સાક્ષરતા અંગે વ્યાપક જાગૃતિ ઊભી કરવાનો છે, તેમ નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.




