સાબરકાંઠા

હિંમતનગરમાં વારાણસીથી વડનગર જઈ રહેલી બાઈક રેલીનું ભવ્ય સ્વાગત: યુવાનો અને લાભાર્થીઓ સાથે યોજાયો સંવાદ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં વારાણસીથી વડનગર જઈ રહેલી બાઈક રેલી આવી પહોંચતા સ્થાનિકો અને ભાજપના કાર્યકરો દ્વારા તેનું ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેનાલ ફ્રન્ટ ખાતે નાસિક ઢોલના તાલે, નવરંગી ચૂંદડી અને પુષ્પવર્ષા સાથે બાઈક રેલીમાં જોડાયેલા યુવકોનું અભિવાદન કરાયું હતું.

આ રેલી પ્રવાસ દરમિયાન વિવિધ સ્થળે લોકસંપર્ક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. રેલી સૌથી પહેલા રાયગઢ ખાતે આવી પહોંચી હતી, જ્યાં ભાજપ સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. ત્યારપછી ગાંભોઈ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંભોઈથી આગળ વધી રેલી કાંકણોલ ગામે પહોંચી હતી, જ્યાં કિસાન નેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

કાંકણોલથી મહાવીરનગર થઈને બાઈક રેલી હિંમતનગરના કેનાલ ફ્રન્ટ ખાતે ધારાસભ્ય વી.ડી. ઝાલાના કાર્યાલય નજીક પહોંચી હતી. અહીં આયોજિત ખાસ કાર્યક્રમમાં વારાણસીથી આવેલા સેવકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયના વિકાસકાર્યો અને પોતાના પ્રવાસના અનુભવો યુવાનો સમક્ષ રજૂ કર્યા હતા. આ પ્રસંગે મેડિકલ અને ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ પણ દેશમાં શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કાર્યક્રમના અંતે શારદાકુંજ સોસાયટી ખાતે સ્થાનિક નાગરિકો અને યુવાનો સાથે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સ્વાગત કાર્યક્રમ અને સંવાદમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ સહિત ભાજપના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!