ટુ ગેધર ક્લબ દ્વારા વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે હિંમતનગરમાં સાયકલ રેલી યોજાઈ પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલીનો અપાયો સંદેશ

વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરમાં ટુ ગેધર ક્લબ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વડીલો તેમજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પર્યાવરણ સંરક્ષણ સાથે સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો.હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાંથી શરૂ થયેલી સાયકલ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલીમાં જોડાયેલા સાયકલ રાઇડરોએ “સાયકલ ચલાવો, સ્વસ્થ રહો, ખુશ રહો” તેમજ “પર્યાવરણ બચાવો” જેવા સંદેશાવાળા બેનરો સાથે લોકોને જાગૃત કર્યા હતા. આશરે ૧૦ કિલોમીટર સુધી સાયકલિંગ કરવામાં આવ્યું હતું.

આયાતી કાર અને બાઈકના વધતા ઉપયોગ વચ્ચે પણ સાયકલનું મહત્વ આજે પણ અવિચળ રહ્યું છે. સાયકલિંગ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, ઇંધણની બચત અને પ્રદૂષણમુક્ત પર્યાવરણના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન મળી શકે છે. એક સમયે સંપત્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતિક ગણાતી સાયકલ આજે ફિટનેસ અને સ્વસ્થ જીવન માટે શ્રેષ્ઠ સાધન તરીકે માન્ય બની રહી છે.

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલી દ્વારા નાગરિકોને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બનવા તેમજ નિયમિત સાયકલિંગ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.




