લાંબડિયા ખાતે દશામાની ભવ્ય શોભાયાત્રા (વરગોડો) ધામધૂમથી નીકળી: ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા શ્રદ્ધાળુઓ

આજ રોજ તારીખ ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ ને રવિવારના પવિત્ર દિવસે લાંબડિયા ખાતે શ્રી દશામાની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા (વરગોડો) ખૂબ જ હરખોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં નીકળી હતી. આ શોભાયાત્રામાં સમગ્ર નગરના ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મા દશામાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પૂજારી સંતોકબેન રાવળના ઘરેથી પ્રસ્થાન શોભાયાત્રાનો શુભારંભ દશામાના પૂજારી શ્રીમતી સંતોકબેન ધુળાભાઈ રાવળના નિવાસસ્થાનેથી થયો હતો. ભક્તો દ્વારા ભારે જહેમત ઉઠાવીને દશામાની મૂર્તિ અને રથને આકર્ષક રોશની, ફૂલો અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યો હતો. પૂજા-અર્ચના બાદ શોભાયાત્રાએ સમગ્ર નગરમાં ભ્રમણ કર્યું હતું.
ગરબા અને ડીજેના તાલે ઝૂમ્યા ભક્તો શોભાયાત્રા દરમિયાન મહિલાઓ અને ગ્રામજનો ગરબાના તાલે મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. માર્ગો પર અબીલ-ગુલાલની છોળો વચ્ચે શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કુશળ સંચાલન અને આગેવાનોનો સહયોગ આ સમગ્ર શોભાયાત્રાનું સફળ અને સુંદર સંચાલન જાણીતા લોક સાહિત્યકાર શ્રી સંજુરાજા લાંબડિયા રાવળદેવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશભાઈ ધુળાભાઈ રાવળદેવ, કનુભાઈ ધુળાભાઈ રાવળદેવ, મહેન્દ્રભાઈ અમૃતભાઈ રાવળદેવ, કાંતિભાઈ લખવારા, રજુભાઈ લખવારા, જયંતિભાઈ પંચાલ, માલજીભાઈ માસ્ટર તથા હનુમાનજી મંદિરના વેપારી શ્રી લખનભાઈ દ્વારા વિશેષ યોગદાન અને સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
નગરજનોના સાથ-સહકારથી આ શોભાયાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.




