ખેડબ્રહ્મા નગરપાલિકામાં સ્વચ્છતાના દાવા પોકળ: વોર્ડ નં. ૨માં અંબિકા કોમ્પ્લેક્સ પાછળ બારેમાસ વહે છે ગટરનું ગંદુ પાણી
વોર્ડ નંબર ૨માં અંબિકા કોમ્પ્લેક્સ પાછળ બારેમાસ ગટરનું ગંદુ પાણી ખુલ્લેઆમ વહે છે!

ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે વાસ્તવિક સ્થિતિ સાવ વિપરિત હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વોર્ડ નંબર ૨માં આવેલા અંબિકા કોમ્પ્લેક્સની પાછળ છેલ્લા ઘણા સમયથી બારેમાસ ગટરનું ગંદુ પાણી ખુલ્લેઆમ વહી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.એક તરફ સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત શહેરોને સ્વચ્છ અને સુંદર બનાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ નગરપાલિકાના જ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની ઉદાસીનતાના કારણે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે.
આંગણવાડી જેવી સંવેદનશીલ જગ્યાએ પણ ગંદકી!
સ્થાનિક જાગૃત નાગરિકો અને પત્રકારો દ્વારા આ ગંદકીના દ્રશ્યો વિડિયો બનાવીને ઉજાગર કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે નાના બાળકો માટેની સંવેદનશીલ અને કોમળ જગ્યા સમાન આંગણવાડીની આસપાસ પણ ગંદકી ફેલાયેલી છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.
સેનેટરી ઇન્સ્પેક્ટરનો અસહકાર અને તાનાશાહી વહીવટ
આ ગંભીર બાબતે જ્યારે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સફાઈ ન કરવા અને કચરો ન ભરવા બાબતે કોઈપણ પ્રકારનો જવાબ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમણે ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે, “ઉપલા અધિકારીને પૂછ્યા વગર હું કંઈ પણ જવાબ ના આપી શકું.”સ્થાનિકોના જણાવ્યા મુજબ, નગરપાલિકામાં હાલ તાનાશાહી જેવો વહીવટ ચાલી રહ્યો છે. અધિકારીઓ બંધારણીય જવાબદારી ભૂલીને માત્ર પદાધિકારીઓના મૌખિક હુકમોનું પાલન કરવામાં જ વ્યસ્ત હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
જવાબદારી કોની? સવાલોના ઘેરામાં નેતાઓ અને પદાધિકારીઓ
વોર્ડ નંબર ૨માં ગંદકીની આ ગંભીર સમસ્યા હોવા છતાં જવાબદાર પ્રતિનિધિઓ ચૂપ છે. આ વોર્ડ સાથે જોડાયેલા મુખ્ય ચહેરાઓ નીચે મુજબ છે:
-
શ્રીપ્રિયંકાબેન ખરાડી (નગ૨પાલિકા પ્રમુખશ્રી)
-
લતાબેન ભાવસાર (આરોગ્ય સમિતિ ચેરમેન)
-
ભદ્રેશભાઈ પટેલ (ટાઉન પ્લાનિંગ ચેરમેન)
-
આ ઉપરાંત કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને ખેડબ્રહ્માના અગ્રણી ગણાતા પ્રવિણસિંહ ડી. સોલંકી પણ આ વિસ્તારમાં સક્રિય છે.
જવાબદાર પદાધિકારીઓના પોતાના વોર્ડમાં જ જો આવી નરકાગાર જેવી સ્થિતિ હોય, તો સામાન્ય નાગરિકોની ફરિયાદો કોણ સાંભળશે તે મોટો પ્રશ્ન છે.
સ્થાનિક નાગરિકોની મુખ્ય માંગણીઓ:
-
અંબિકા કોમ્પ્લેક્સ પાછળ તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે.
-
ગટરનાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને વરસાદી ગટર સાથેના જોડાણની ઉચ્ચસ્તરીય તપાસ થાય.
-
ગંદકી અને દુર્ગંધની આ કાયમી સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં આવે.
જિલ્લા કલેક્ટરશ્રીને નમ્ર અપીલ
સ્થાનિક તંત્ર અને પદાધિકારીઓ પરથી પ્રજાનો વિશ્વાસ ડગમગી ગયો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આ મામલે અંગત રસ દાખવી ખેડબ્રહ્મા નગરની મુલાકાત લે અને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી નાગરિકોને આ રોગચાળાના જોખમ સમાન ગંદકીમાંથી મુક્તિ અપાવે તેવી નગરજનોની હૃદયપૂર્વક અપીલ છે.




